03, સપ્ટેમ્બર 2025
મુંબઈ |
8118 |
૧૧ દિવસમાં પાંચ હજારથી વધુનો ઉછાળો,
બુધવાર, 3 સપ્ટેમ્બરના રોજ ફ્યુચર્સ ટ્રેડિંગમાં સોનાનો ભાવ ૧.૦૬ લાખ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) ખાતે ઓક્ટોબરમાં પૂરા થતા સોનાના કરારનો ભાવ ૪૦૭ રૂપિયાના વધારા સાથે ૧,૦૬,૧૯૯ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થયો. છેલ્લા ૧૧ દિવસમાં સોનાના ભાવમાં રૂ. ૫,૯૪૧ નો ઉછાળો નોંધાયો છે, જે ૨૦ ઓગસ્ટના રોજ રૂ. ૧,૦૦,૨૫૮ હતો. આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ૩૪.૩૫% નો વધારો થયો છે, જે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ રૂ. ૭૮,૯૫૦ હતો. છેલ્લા ૮ મહિનામાં સોનાના ભાવમાં ૨૫ હજારથી વધુનો વધારો થયો છે.
સોના અને ચાંદીના ભાવમાં ઉછાળાના કારણો
વેપારીઓ માને છે કે સોના અને ચાંદીના ભાવમાં સતત વધારા પાછળ ઘણા કારણો જવાબદાર છે. રૂપિયાનું ઘટતું મૂલ્ય, વૈશ્વિક અનિશ્ચિતતા અને તણાવ ને કારણે સોનું એક સલામત રોકાણ તરીકે વધુ આકર્ષક બન્યું છે. આ ઉપરાંત, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડાની અપેક્ષા અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અનિયમિત નીતિઓ ને પણ ભાવ વધારાનું મુખ્ય કારણ માનવામાં આવે છે.
ચાંદીના ભાવમાં પણ રેકોર્ડ વધારો
સોનાની જેમ, ચાંદીના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ. ૧,૨૭,૦૦૦ પર પહોંચી ગયો છે, જે એક જ દિવસમાં રૂ. ૯૦૦ નો વધારો દર્શાવે છે. ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં ચાંદીની વધતી માંગને પણ ભાવ વધારાનું એક કારણ ગણવામાં આવે છે. આ રેકોર્ડ બજાર પર અસર કરી શકે છે, ખાસ કરીને તહેવારોના સમયમાં ખરીદી પર તેની અસર વર્તાઈ શકે છે.