04, સપ્ટેમ્બર 2025
નવી દિલ્હી |
3069 |
ઈન્ટરનેશનલ અને અન્ય ક્રિકેટ મેચોની ટિકિટ પર 18 ટકા GST લાગુ રહેશે.
ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચ જોવા માટે ક્રિકેટ ચાહકોએ હવે વધુ રકમ ખર્ચવી પડશે. બુધવારે GST કાઉન્સિલે નિર્ણય લીધો કે IPL અને તેના જેવી મોટી રમતગમતની ઈવેન્ટ્સની ટિકિટ પર હવે 40 ટકા GST વસૂલવામાં આવશે.અહેવાલો અનુસાર, અત્યારસુધી IPL ટિકિટો પર 28 ટકા GST લાગતો હતો. હવે IPL ટિકિટોને સૌથી વધુ ટેક્સ સ્લેબ 40 ટકામાં સમાવવામાં આવી છે, જેમાં કેસિનો, રેસ ક્લબ અને લક્ઝરી પ્રોડક્ટ્સનો પણ સમાવેશ થાય છે. આ નિર્ણય પછી IPL ટિકિટોના ભાવ પર તેની સીધી અસર પડશે.
પહેલા 500 રૂપિયાની IPL ટિકિટ GST ઉમેર્યા પછી 640 માં મળતી હતી. હવે તે 700 રૂપિયામાં મળશે. આ ઉપરાંત 1000 રૂપિયાની ટિકિટ હવે 1400 રૂપિયામાં મળશે. અગાઉ તે 1,280 રૂપિયામાં મળતી હતી. જ્યારે 2000 રૂપિયાની ટિકિટની કુલ કિંમત હવે 2800 રૂપિયા થશે. અગાઉ તે GST ઉમેર્યા પછી 2,560 રૂપિયામાં મળતી હતી.
ઈન્ટરનેશનલ અને અન્ય ક્રિકેટ મેચોની ટિકિટ પર પહેલાની જેમ 18 ટકા GST લાગુ રહેશે. માત્ર IPL અને અન્ય પ્રીમિયમ લીગને 40 ટકા ટેક્સ સ્લેબમાં રાખવામાં આવ્યા છે.
વિશ્વની સૌથી મોટી ટી20 લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધી 18 સીઝન રમાઈ ચૂકી છે.