30, ઓગ્સ્ટ 2025
નવી દિલ્હી |
2673 |
અર્થતંત્રમાં વિકાસ માટે સકારાત્મક સંકેત
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલ 2025માં ભારત જ નહીં સમગ્ર વિશ્વને જંગી ટેરિફની ચીમકી આપી હતી. એટલું જ નહીં ભારતીય અર્થતંત્રને ડેડ ઈકોનોમી ગણાવી હતી ત્યારે ટ્રમ્પના નિવેદનોને અવગણીને ભારતીય અર્થતંત્રે ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક એપ્રિલ-જૂનમાં 7.8 ટકાનો જીડીપી વૃદ્ધિદર નોંધાવ્યો છે, જે 6.7 ટકાના અંદાજ કરતાં વધુ રહ્યો છે.
ટ્રમ્પે ગત એપ્રિલમાં લિબરેશન ડે પર ભારત સહિત 200 દેશો પર જંગી ટેરિફ નાંખવાની જાહેરાત કરી હતી, જે 9 એપ્રિલથી લાગુ થવાનો હતો, પરંતુ પાછળથી તેની ડેડલાઈન અનેક વખત લંબાવવામાં આવી અને અંતે ૭ ઑગસ્ટથી ભારત પર 25 ટકા ટેરિફનો અમલ ચાલુ થયો, જેને વધારીને 27 ઑગસ્ટથી 50 ટકા કરી દેવાયો છે.
ટ્રમ્પની ટેરિફની ધમકીઓ અને ભારતને ટેરિફ કિંગ ગણાવવાના આતંકી નિવેદનો વચ્ચે પણ ભારતીય અર્થતંત્રે અભૂતપૂર્વ વૃદ્ધિ નોંધાવી છે. ગયા વર્ષની સરખામણીમાં 2025-26ના પહેલા ત્રિમાસિક એપ્રિલ-જૂનમાં ભારતે 7.8 ટકાનો વૃદ્ધિદર નોંધાવ્યો છે, જે ગયા વર્ષે સમાન સમયમાં 6.5 ટકા હતો. નાણાકીય વર્ષ 24-25ના ચોથા ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધિદર 7.4 ટકા હતો. નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિકમાં વાસ્તવિક જીડીપી અંદાજે રૂ. 47.98 લાખ કરોડ હતો, જ્યારે 2024-25ના સમાન સમયમાં રૂ. 44.42 લાખ કરોડ હતો, જે 7.8 ટકાનો વૃદ્ધિદર દર્શાવે છે.
સરકારી આંકડા મુજબ આ પહેલાં સૌથી ઝડપી વૃદ્ધિદર જાન્યુઆરી-માર્ચ 2024માં 8.4 ટકા રહ્યો હતો. એપ્રિલ-જૂન ૨૦૨૫ના સમયમાં ચીનનો જીડીપી દર 5.2 ટકા રહ્યો હતો જ્યારે ભારત દુનિયાના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રમાંનું એક હતું.
વર્તમાન રિપોર્ટ મુજબ ભારતીય અર્થતંત્ર નાણાકીય વર્ષ 2025-26ની શરૂઆતમાં સારી ગતિથી આગળ વધી રહ્યું છે. વિશેષરૂપે સેવા ક્ષેત્રમાં તેજી, સતત રોકાણ અને સરકારી ખર્ચમાં ઉછાળો સકારાત્મક સંકેત આપે છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પહેલા ત્રિમાસિકમાં વાસ્તવિક જીડીપીમાં 7.8 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.