02, સપ્ટેમ્બર 2025
નવી દિલ્હી |
4851 |
જીએસટીની આવકના વધારામાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તામિલનાડુનો મોટો ફાળો
જીએસટીની ઓગસ્ટ ૨૦૨૫ની આવક રૂ. ૧.૮૬ લાખ કરોડને પાર ગઈ છે. ઓગસ્ટ ૨૦૨૪માં જીએસટીની થયેલી આવકની તુલનાએ આ વરસે જીએસટીની આવકમાં ૬.૫ ટકાનો વધારો થયો છે. ૨૦૨૪ના ઓગસ્ટમાં જીએસટીની આવક રૂ. ૧.૭૫ લાખ કરોડની થઈ હતી. જોકે જુલાઈ ૨૦૨૫માં જીએસટીની આવક રૂ. ૧.૯૬ લાખ કરોડ થઈહતી. તેની સરખામણીમાં ઓગસ્ટમાં જીએસટીની આવકમાં ઘટાડો થયો છે. ઓગસ્ટ ૨૦૨૫માં જીએસટી રિફંડ ઘટીને રૂ.૧૯,૩૫૯ કરોડનું થઈ ગયું છે.પરિણામે ઓગસ્ટમાં રિફંડ પછીની જીએસટીની આવકમાં ૧૦ ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. રિફંડમાં ૨૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
જીએસટીની આવકના વધારામાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તામિલનાડુનો મોટો ફાળો છે. આ ચાર રાજ્યોએ મળીને જીએસટીની કુલ આવકમાં ૩૩ ટકાનો ફાળો આપ્યો છે. જ્યારે ઇમ્પોર્ટ ડયૂટીની આવક રૂ. ૫૦,૦૦૦ કરોડથી ઘટીને રૂ. ૪૯,૩૦૦ કરોડ થઈ છે.
સેન્ટ્રલ જીએસટી અને સ્ટેટ જીએસટીના કલેક્શનમાં વધારો જોવા મળી રહ્યો છે. તેની સામે આઈજીએસટીના અને સેસના કલેક્શનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજીતરફ હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ અને કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ નીચે જઈ રહ્યા હોવાથી પણ જીએસટીના કલેક્શનમાં ઘટાડો થઈ શકે છે. જોકે નવરાત્રિ અને દિવાળીના તહેવારો આવી રહ્યા હોવાથી આગામી મહિનાઓમાં જીએસટીનું કલેક્શન વધી જવાની સંભાવના છે.