19, ઓગ્સ્ટ 2025
નવી દિલ્હી |
5148 |
GPT-5ની AI સુવિધાઓ હવે, માત્ર રૂ. ૩૯૯ પ્રતિ મહિને
શું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ હવે ખરેખર દરેકના ખિસ્સા સુધી પહોંચી રહ્યું છે? AI ક્ષેત્રની અગ્રણી કંપની OpenAI એ ભારતમાં એક નવી સબ્સ્ક્રિપ્શન યોજના 'ChatGPT Go' લોન્ચ કરી છે. આ પ્લાન ફક્ત રૂ. ૩૯૯ પ્રતિ મહિને ઉપલબ્ધ છે અને તેની ચુકવણી UPI દ્વારા સરળતાથી કરી શકાય છે. આ પગલું ભારતના વિશાળ અને ઝડપથી વિકસતા બજાર પર OpenAIના વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાનો સંકેત આપે છે.
ChatGPT Go પ્લાનમાં શું મળશે?
કંપનીના જણાવ્યા અનુસાર, ChatGPT Go પ્લાનમાં યુઝર્સને અત્યાધુનિક GPT-5ની સુવિધાઓ મળશે. આ પ્લાન ફ્રી પ્લાન કરતાં ૧૦ ગણી વધુ મર્યાદાઓ સાથે આવે છે, જેમાં નીચેના મુખ્ય ફાયદાઓનો સમાવેશ થાય છે. જેમાં ૧૦ ગણી વધુ સંદેશ મર્યાદા, ૧૦ ગણી વધુ ઇમેજ જનરેશન, ૧૦ ગણી વધુ ફાઇલ/ઇમેજ અપલોડ અને બે ગણી લાંબી મેમરી, જે વ્યક્તિગત અને ચોક્કસ જવાબો આપવામાં મદદ કરશે.
આ નવો પ્લાન OpenAIની હાલની મોંઘી યોજનાઓ, જેમ કે ChatGPT Plus (રૂ. ૧,૯૯૯/મહિને) અને ChatGPT Pro (રૂ. ૧૯,૯૦૦/મહિને) કરતાં ઘણા ઓછા ખર્ચે ઉપલબ્ધ છે. તે એવા વપરાશકર્તાઓ માટે યોગ્ય છે જેઓ વધુ સુવિધાઓ ઇચ્છે છે પરંતુ ઉચ્ચ ખર્ચ પરવડી શકતા નથી.
ભારત પર ખાસ ધ્યાન કેન્દ્રિત કેમ?
OpenAIના વાઇસ પ્રેસિડેન્ટ નિક ટર્લીએ જણાવ્યું કે ભારત ChatGPT માટે બીજું સૌથી મોટું અને સૌથી ઝડપથી વિકસતું બજાર છે. ભારતમાં લાખો લોકો દરરોજ અભ્યાસ, કાર્ય, સર્જનાત્મકતા અને સમસ્યાનું નિરાકરણ માટે ChatGPTનો ઉપયોગ કરે છે. કંપની માને છે કે ChatGPT Go વધુ લોકોને પોસાય તેવા ભાવે AI ટૂલ્સનો ઉપયોગ કરવા સક્ષમ બનાવશે.
OpenAIના CEO સેમ ઓલ્ટમેને પણ આ પહેલા કહ્યું હતું કે અમેરિકા પછી ભારત કંપનીનું સૌથી મોટું બજાર છે અને તે ભવિષ્યમાં નંબર વન પણ બની શકે છે. તેમણે ભારતમાં AI ટેકનોલોજીને અપનાવવાની ગતિની પ્રશંસા કરી હતી.
ChatGPTની કમાણીમાં રેકોર્ડ
એક અહેવાલ મુજબ, ChatGPT એ એપ કમાણીના મામલામાં તેના તમામ મુખ્ય હરીફોને પાછળ છોડી દીધા છે. ChatGPTની પ્રતિ ઇન્સ્ટોલ સરેરાશ આવક $૨.૯૧ છે, જ્યારે એન્થ્રોપિકના ક્લાઉડની આવક $૨.૫૫ છે અને એલોન મસ્કના ગ્રોકની માત્ર $૦.૭૫ છે. આ આંકડાઓ દર્શાવે છે કે ChatGPT તેના વપરાશકર્તાઓમાં અત્યંત લોકપ્રિય અને વ્યાવસાયિક રીતે સફળ છે.