14, ઓગ્સ્ટ 2025
ન્યુયોર્ક |
2970 |
કંપની પર 50 કરોડ ડોલરનું દેવું, કોડકે નિવેદન આપ્યું કંપની પોતાને વિસ્તરિત કરવાનો પ્રયાસ કરી રહી છે
એક સમયે ફોટોગ્રાફીની દુનિયામાં વિશ્વ પ્રસિદ્ધ નામ એવી કોડક વર્ષો સુધી અનેકગણો નફો નોંધાવ્યા બાદ સ્માર્ટફોન અને ટેક્નોલોજીના આગમનથી પડતી શરૂ થઈ હતી. હવે કોડક કંપની વેન્ટિલેટર પર ચાલી રહી છે. તેનો 133 વર્ષ જૂનો લાંબો વારસો ખતમ થવાની અણી પર છે.
વર્ષ 1888માં જ્યોર્જ ઈસ્ટમેને આ કંપનીની શરૂઆત કરી હતી. ત્યારે કંપનીનો પ્રથમ કેમેરા 25 ડોલરમાં વેચ્યો હતો. જેનું નામ 'ધ કોડક કેમેરા' હતું. કોડકે સામાન્ય લોકો સુધી પહોંચવા અનેક અપગ્રેડેડ કેમેરા લોન્ચ કરી કમાણી કરી હતી. ત્યારે કંપનીએ એક નારો આપ્યો હતો 'તમે બટન દબાવો, બાકીનું કામ અમે કરીશું.1970ના દાયકામાં વિશ્વના તમામ દેશોમાં કોડકના જ કેમેરા વેચાતા હતાં. ત્યારબાદ કોડકે પોતાના કેમેરામાં અનેક ફેરફારો કર્યા અને લોકપ્રિયતા મેળવી. 1975માં કોડક માટે કામ કરતાં સ્ટીવ સેસને પ્રથમ ડિજિટલ કેમેરાનો પ્રોટોટાઈપ બનાવ્યો હતો. ત્યારબાદ અન્ય કંપનીઓને માર્કેટમાં પ્રવેશવાની તક મળી. જ્યાં સુધી કોડક ડિજિટલ કેમેરાના બિઝનેસમાં એન્ટ્રી કરવાનો પ્રયાસ કરે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.
20મી સદીની શરૂઆતની સાથે જ ટેક્નોલોજીએ અનેક કંપનીઓને નુકસાન પહોંચાડ્યું. ઘણી કંપનીને તાળા વાગ્યા. સ્માર્ટફોનના પ્રવેશથી ફોનમાં જ ફોટો ક્લિક થવા લાગી. તેને પ્રિન્ટ કરાવવાના બદલે સોશિયલ મીડિયા પર પોસ્ટ થવા લાગી. જેથી કોડક જેવી કેમેરા ટેક્નોલોજી બનાવતી કંપનીઓના પડકારો વધ્યા. કોડકના ફિલ્મ બિઝનેસને પણ મોટું નુકસાન થયું. અંતે 2012માં કંપનીએ દેવાળું ફુંક્યું. જોકે, કોડક કંપનીએ દેવાળું ફૂંક્યું હોવા છતાં તેણે નિવેદન આપ્યું છે કે, કંપની દેવાળિયા માટે અરજી કરી રહી નથી. તે પોતાને વિસ્તરિત કરવાનો પ્રયાસ કરી રહી છે. દેવું સમયસર ચૂકવવાનો પણ દાવો કંપનીએ કર્યો છે.