14, ઓગ્સ્ટ 2025
નવી દિલ્હી |
2673 |
કેન્દ્ર સરકારે બે નવા પોર્ટલ લોન્ચ શરૂ કર્યા
કેન્દ્ર સરકારે ભારતના વિઝા ઈશ્યૂ કરવા અંગે એક મોટો નિર્ણય કર્યો છે. હવે એક જ દિવસમાં વિઝા ઈશ્યૂ કરવા માટે કેટલીક છૂટ આપવાનું શરૂ કરાયું છે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે જો તમામ દસ્તાવેજ યોગ્ય રીતે જમા કરાવેલા હશે તો એક જ દિવસમાં ભારતના વિઝા આપી દેવામાં આવશે.
કેન્દ્ર સરકારે ગેરકાયદે પ્રવાસીઓ અને વિઝા મુદ્દતથી વધુ સમય રોકાનારા વિદેશીઓ પર નજર રાખવાની કામગીરીને પણ વધુ મજબૂત કરવા માટે બે નવા પોર્ટલ જિલ્લા પોલીસ મોડ્યુલ અને વિદેશી ઓળખ પોર્ટલ શરૂ કર્યા છે.
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી બંદી સંજય કુમારે ફોરેનર્સ ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓ સાથે યોજાયેલી સમીક્ષા બેઠકમાં વિઝા સરળીકરણ, ઇમિગ્રેશન ચેક પોસ્ટ્સના આધુનિકીકરણ અને અન્ય સંબંધિત બાબતો સંબંધિત નીતિઓ પર ચર્ચા કરી હતી.
જેમાં મુખ્ય વિઝા કેટેગરીની સંખ્યા 26 થી ઘટાડીને 22 કરવામાં આવી છે અને સબ કેટેગરીની સંખ્યા 104 થી ઘટાડીને 69 કરવામાં આવી છે. જેથી પ્રક્રિયાના સરળીકરણને કારણે વિઝા જારી કરવામાં લાગતો સરેરાશ સમય ઓછો થઈ ગયો છે.