GPT-5 સાથે સીધી સ્પર્ધા : એલોન મસ્કનું Grok 4 હવે ફ્રી
12, ઓગ્સ્ટ 2025 નવી દિલ્હી   |   6039   |  

અબજોપતિ એલોન મસ્કની કંપની xAI એ એક મોટી જાહેરાત કરી છે. Grok શ્રેણીના AI મોડેલનું નવીનતમ સંસ્કરણ Grok 4 હવે તમામ વપરાશકર્તાઓ માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. Grok 4 ના પ્રકાશનના લગભગ એક મહિના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. શરૂઆતમાં, તેની ઍક્સેસ ફક્ત કંપનીના SuperGrok અને X પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન પ્લાનના સભ્યો માટે જ ઉપલબ્ધ હતી, પરંતુ તાજેતરમાં OpenAI દ્વારા GPT-5 ને મફતમાં લોન્ચ કરવામાં આવ્યા બાદ xAI દ્વારા આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

Grok 4 હવે દરેક માટે ઉપલબ્ધ

xAI એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. કંપનીએ જણાવ્યું કે, "Grok 4 હવે વિશ્વભરના તમામ વપરાશકર્તાઓ માટે મફતમાં ઉપલબ્ધ છે." વપરાશકર્તાઓ માટે બે મોડ ઉપલબ્ધ છે. એક ઓટો મોડ (Auto Mode): આ મોડમાં, AI મોડેલ આપમેળે નક્કી કરશે કે વપરાશકર્તાના પ્રશ્નને વધુ વિગતવાર જવાબની જરૂર છે કે નહીં. આ મોડ ઝડપી છે અને સંસાધનોનો ઓછો ઉપયોગ કરે છે. અને બીજો એક્સપર્ટ મોડ (Expert Mode): જે વપરાશકર્તાઓ વધુ નિયંત્રણ ઇચ્છે છે, તેઓ આ મોડનો ઉપયોગ કરીને Grok 4 ને મેન્યુઅલી તર્ક મોડમાં સ્વિચ કરી શકે છે, જેથી તેમને વધુ સચોટ અને વિગતવાર પ્રતિભાવ મળી શકે.

કંપનીએ મર્યાદિત સમય માટે ઉદાર ઉપયોગ મર્યાદાઓ પણ જાહેર કરી છે, જેથી વપરાશકર્તાઓ Grok 4 ની સંપૂર્ણ ક્ષમતાનો લાભ લઈ શકે.

સ્પર્ધામાં ટકી રહેવા માટેનું પગલું

xAI દ્વારા આ પગલું OpenAI ના GPT-5 ને સીધી સ્પર્ધા આપવા માટે લેવામાં આવ્યું છે, જેણે તાજેતરમાં જ તેનું AI મોડેલ તમામ વપરાશકર્તાઓ માટે મફતમાં રજૂ કર્યું છે. જોકે, Grok 4 નું સૌથી અદ્યતન AI મોડેલ Grok 4 Heavy હજુ પણ ફક્ત SuperGrok Heavy સબ્સ્ક્રાઇબર્સ માટે જ ઉપલબ્ધ રહેશે. આનાથી xAI એ પ્રીમિયમ સુવિધાઓને સબ્સ્ક્રિપ્શન મર્યાદામાં રાખીને વધુ વપરાશકર્તાઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગયા અઠવાડિયે, xAI એ USA સ્થિત તમામ વપરાશકર્તાઓ માટે AI વિડીયો જનરેશન સુવિધા Grok Imagine પણ મફતમાં ઉપલબ્ધ કરાવી હતી, જોકે યુએસ બહારના વપરાશકર્તાઓ માટે આ સુવિધા સબ્સ્ક્રિપ્શન આધારિત છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution