12, ઓગ્સ્ટ 2025
દેહરાદુન |
2772 |
શ્રદ્ધાળુઓ માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી
ઉત્તરાખંડ સ્થિત સુપ્રસીદ્ધ યાત્રાઘામ કેદારનાથ યાત્રા ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આ ક્ષેત્રમાં ભારે વરસાદનું રેડ ઍલર્ટ જારી કર્યા બાદ આ યાત્રા ત્રણ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્રને હાઈ ઍલર્ટ પર રાખવામાં આવ્યું છે.
વહિવટી તંત્ર દ્વારા કેદારનાથ આવનારા તમામ યાત્રીઓ માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. એડવાઈઝરીમાં શ્રદ્ધાળુઓને વિનંતી કરવામાં આવી છે કે, હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને તમે હાલમાં યાત્રા કરવાનું ટાળો. ડીએમ પ્રતીક જૈને જિલ્લાના તમામ વિભાગોને ઍલર્ટ મોડ પર રહેવાનો નિર્દેશ આપ્યો છે. હવામાન વિભાગે 12, 13 અને 14 ઓગસ્ટના રોજ રુદ્રપ્રયાગ સહિત ઉત્તરાખંડના અલગ-અલગ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર હાઈ ઍલર્ટ પર રાખવામાં આવ્યું છે. જિલ્લા અધિકારી પ્રતીક જૈને જણાવ્યું કે, વહીવટી તંત્રએ 12, 13 અને 14 ઓગસ્ટ માટે કેદારનાથ યાત્રા સ્થગિત કરી છે. હવામાન વિભાગે રુદ્રપ્રયાગ અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે, તેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રને ઍલર્ટ પર રાખવામાં આવ્યું છે.