ભારતને ધમકી આપતું અમેરિકા ચીનથી ડરી ગયું?
12, ઓગ્સ્ટ 2025 વોશીંગટન   |   2772   |  

 ટેરિફ પર સમય સીમા હવે 90 દિવસ લંબાવાઈ

અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર તણાવ વર્ષ 2018થી ચાલી રહ્યો છે. આ વિવાદ બંને દેશો વચ્ચેના વેપાર સંતુલન, ટેકનોલોજી ટ્રાન્સફર અને ઔદ્યોગિક નીતિઓમાં મૂળ ધરાવે છે. એપ્રિલમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની વસ્તુઓ પર 145 ટકા ટેરિફ વધાર્યો, જેનો જવાબ ચીને અમેરિકાની આયાત પર 125% ટેરિફ લગાવ્યો હતો. જોકે, આનાથી એવી પરિસ્થિતિ ઊભી થઈ કે બંને દેશોનું અર્થતંત્ર દબાણ હેઠળ આવી ગયું હતું. જૂનમાં જીનીવામાં વાટાઘાટો અને લંડનમાં બેઠકો પછી બંને પક્ષો ટેરિફને અસ્થાયી રૂપે ઘટાડવા સંમત થયા હતા. જો કે, આ રાહત ક્ષણિક સમય પૂરતી સાબિત થઈ, કારણ કે ઓગસ્ટમાં ફરીથી ઊંચા ટેરિફ લાદવાની સમયમર્યાદા નજીક આવી રહી હતી.

મળતા અહેવાલ અનુસાર, વ્હાઇટ હાઉસના એક અધિકારીએ પુષ્ટિ કરી છે કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફની સમયમર્યાદા 90 દિવસ લંબાવવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે.

હાલમાં ચીનથી આયાત થતી ચીજવસ્તુઓ પર 30 ટકા ટેરિફ લાદવામાં આવે છે, જેમાં 10 ટકા બેઝ રેટ અને વધારાના 20 ટકા ફેન્ટાનાઇલ-સંબંધિત ટેરિફનો સમાવેશ થાય છે. આ ટેરિફ ફેબ્રુઆરી અને માર્ચમાં અમેરિકા દ્વારા લાદવામાં આવ્યા હતા. બીજી તરફ, ચીને અમેરિકા આયાત પરનો દર ઘટાડીને 10 ટકા કર્યો છે.

જોકે, આગામી 90 દિવસમાં કોઈ નક્કર ડીલ ન થાય, તો ટેરિફ દરો ફરીથી વધી શકે છે, જેના કારણે વૈશ્વિક વેપારમાં મોટો ઘટાડો થઈ શકે છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution