હવે, નોન-વોટ્સએપ યુઝર્સ સાથે પણ કરી શકાશે વાત
05, ઓગ્સ્ટ 2025 નવી દિલ્હી   |   5049   |  

WhatsApp હવે નવા 'ગેસ્ટ ચેટ' ફીચર પર કામ કરી રહ્યું છે

WhatsApp પોતાના યુઝર્સ માટે એક ક્રાંતિકારી નવું ફીચર લાવવા પર કામ કરી રહ્યું છે, જે યુઝર્સને એવા લોકો સાથે પણ ચેટ કરવાની સુવિધા આપશે જેમની પાસે WhatsApp એકાઉન્ટ નથી. આ નવા ફીચરને 'ગેસ્ટ ચેટ' નામ આપવામાં આવ્યું છે અને તે લેટેસ્ટ એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.25.22.13 માં જોવા મળ્યું છે. WaBetaInfoના અહેવાલ મુજબ, આ ફીચર હજુ ડેવલપમેન્ટ સ્ટેજમાં છે અને આગામી મહિનાઓમાં લોન્ચ થઈ શકે છે.

ગેસ્ટ ચેટ કેવી રીતે કામ કરશે?

આ નવા ફીચરની સૌથી મોટી ખાસિયત એ છે કે જે વ્યક્તિને ચેટ માટે આમંત્રિત કરવામાં આવશે, તેને WhatsApp ઇન્સ્ટોલ કરવાની કે એકાઉન્ટ બનાવવાની જરૂર નહીં પડે. આમંત્રિત વ્યક્તિ એક સુરક્ષિત વેબ ઇન્ટરફેસ દ્વારા ચેટને એક્સેસ કરી શકશે, જે WhatsApp વેબ જેવું જ હશે. આ ફીચર નોર્મલ ઇન્વાઇટ લિંક દ્વારા નોન-વોટ્સએપ યુઝર્સ સાથે વાતચીત શરૂ કરવાની મંજૂરી આપશે.

એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન અને મર્યાદાઓ

WaBetaInfo મુજબ, ગેસ્ટ ચેટમાં થતા તમામ કમ્યુનિકેશન એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ રહેશે, જેથી મેસેજની સુરક્ષા જળવાઈ રહેશે. જોકે, આ ફીચરની કેટલીક મર્યાદાઓ પણ છે:

• મીડિયા શેરિંગ: યુઝર્સ ફોટા, વીડિયો કે GIF જેવા મીડિયા શેર કરી શકશે નહીં.

• કોમ્યુનિકેશન: વોઇસ અને વીડિયો મેસેજ તેમજ કોલિંગ ફીચર ઉપલબ્ધ નહીં હોય.

• ગ્રુપ ચેટ: આ ફીચર માત્ર ખાનગી વાતચીત સુધી જ મર્યાદિત રહેશે અને ગ્રુપ ચેટ સપોર્ટેડ નહીં હોય.

આ ફીચરનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે લોકો વોટ્સએપનો ઉપયોગ નથી કરતા, તેમને પણ વોટ્સએપનો અનુભવ મળી શકે અને તેઓ સરળતાથી વાતચીત શરૂ કરી શકે. હાલમાં, આ ફીચરની ટેકનિકલ વિગતો સંપૂર્ણપણે જાહેર થઈ નથી, પરંતુ તે બ્રાઉઝર સેશન દ્વારા કામચલાઉ અને એન્ક્રિપ્ટેડ ઇન્ટરફેસ પ્રદાન કરશે. આ ફીચરને લોન્ચ થવામાં થોડો સમય લાગી શકે છે, કારણ કે તે હજુ પરીક્ષણ હેઠળ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution