06, ઓગ્સ્ટ 2025
જબલપુર |
2277 |
સોનાની સાથે જ તાંબુ અને અન્ય મૂલ્યવાન ધાતુ હોવાની શક્યતાં
મધ્ય પ્રદેશના જબલપુરમાં આશરે 100 હેક્ટરમાં સોનાનો ભંડાર હોવાનું સામે આવ્યું છે. નિષ્ણાતો માની રહ્યા છે કે આ વિસ્તારમાં લાખો ટન સોનું મળી શકે છે. નિષ્ણાતોની ટીમ દ્વારા આ વિસ્તારની જમીનના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેના રિપોર્ટમાં સામે આવ્યું છે કે આ વિસ્તારમાં ન માત્ર સોનું સાથે જ તાંબુ અને અન્ય મૂલ્યવાન ધાતુ પણ હોવાની શક્યતાં વ્યક્ત કરાઈ રહી છે.
જિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા જીએસઆઇની ટીમ દ્વારા આ વિસ્તારમાં લીધેલા સેમ્પલનો કેમિકલ ટેસ્ટ કરાયો હતો, જેમાં સોનું, કોપર, અન્ય મૂલ્યવાન મિનરલ્સના અંશો મળ્યા હતા. તાજેતરના વર્ષોમાં મધ્ય ભારતમાં આ સૌથી મહત્વપૂર્ણ મિનરલ શોધ માનવામાં આવે છે. જોકે મધ્ય પ્રદેશમાંથી પ્રથમ વખત સોનું મળ્યું હોય તેમ નથી. થોડા વર્ષો પહેલા પાડોશી જિલ્લા કટનીમાં પણ સોનાનો ભંડાર મળી આવ્યો હતો.
જબલપુર અને કટની બન્ને જિલ્લાઓમાં ધાતુના ભંડાર માટે જાણિતા છે. અહીંની ધાતુને માત્ર ભારતના અન્ય રાજ્યો જ નહીં ચીન અને અન્ય દેશો સુધી પણ પહોંચાડવામાં આવે છે. અહીંના નાની મોટી મળી કુલ 42 જેટલી ખાણ આવેલી છે. જ્યાં અવાર નવાર ખોદકામ થતું રહે છે. જબલપુરમાં જ્યાં સોનું હોવાની શક્યતાઓ છે ત્યાં હાલ ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું છે.