સ્ટાલિન બાદ કદાવર નેતાની સનાતન ધર્મ અંગે વિવાદિત ટિપ્પણી
06, ઓગ્સ્ટ 2025 ચેન્નાઈ   |   2079   |  

ભાજપે કહ્યું- ફિલ્મોનો બહિષ્કાર કરો

અભિનેતા કમલ હાસનની સનાતન ધર્મ અંગેની ટિપ્પણીને કારણે વિવાદ ઊભો થયો છે. ભારતીય જનતા પાર્ટીએ કમલ હસનની ફિલ્મોનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. તેમણે તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિનના 2023ના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે સનાતન ધર્મની સરખામણી ડેન્ગ્યુ સાથે કરી હતી. તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન, કમલ હાસને સનાતન ધર્મ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

તમિલનાડુના અભિનેતા અને રાજ્યસભાના સાંસદ કમલ હાસને પ્રખ્યાત તમિલ અભિનેતા સૂર્યાના અગરમ ફાઉન્ડેશન દ્વારા ચેન્નાઈમાં આયોજિત એક કાર્યક્રમમાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'શિક્ષણ એકમાત્ર એવું હથિયાર છે જે તાનાશાહી અને સનાતન ધર્મની બેડીઓને તોડી શકે છે. કૃપા કરીને અન્ય કોઈ વસ્તુને પકડી રાખશો નહીં, કારણ કે તમે જીતી શકશો નહીં. બહુમતી તમને હરાવી દેશે, બહુમતીમાં રહેલા મૂર્ખ લોકો તમને હરાવી દેશે અને સમજદારી હારી જશે.'

આ ઉપરાંત કમલ હાસને NEET પરીક્ષા પર પણ પ્રહારો કર્યા. કમલ હાસને કહ્યું કે 2017માં લાગુ કરાયેલા આ કાયદાએ હજારો બાળકોને તબીબી શિક્ષણથી વંચિત રાખ્યા છે. શિક્ષણ એકમાત્ર શક્તિ છે જેના દ્વારા કાયદો બદલી શકાય છે. તે માત્ર એક હથિયાર નથી, પરંતુ એક સાધન છે જેના દ્વારા દેશને નવો આકાર આપી શકાય છે.'

તમિલનાડુ ભાજપના પદાધિકારી અમર પ્રસાદ રેડ્ડીએ એક વીડિયો દ્વારા કહ્યું કે, 'પહેલા ઉદયનિધિ સ્ટાલિન હતા. હવે કમલ છે, જે સનાતન ધર્મને ખતમ કરવા માંગે છે. તેમને પાઠ ભણાવીએ. હું દરેક હિન્દુને અપીલ કરું છું કે કમલની ફિલ્મો ન જુઓ, OTT પર પણ નહીં. જો આપણે આવું કરીશું, તો તેઓ આવા બેજવાબદાર નિવેદનો નહીં આપે, જેનાથી લાખો હિન્દુઓને દુઃખ થાય છે.'


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution