04, ઓગ્સ્ટ 2025
નવી દિલ્હી |
7029 |
આ પાયાવિહોણો અને ગેરમાર્ગે દોરનારો છે : અદાણી ગ્રુપ
અદાણી ગ્રુપે બેટરી ઉત્પાદન માટે ચીની કંપનીઓ BYD અને બેઇજિંગ વેલિયન ન્યૂ એનર્જી ટેકનોલોજી સાથે ભાગીદારી કરવાના બ્લૂમબર્ગના અહેવાલને સખત શબ્દોમાં નકારી કાઢ્યો છે. અદાણી ગ્રુપના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે આ અહેવાલ સંપૂર્ણપણે ખોટો, ગેરમાર્ગે દોરનારો અને પાયાવિહોણો છે.
અદાણી ગ્રુપની સત્તાવાર સ્પષ્ટતા
અદાણી ગ્રુપ દ્વારા ૪ ઓગસ્ટના રોજ બ્લૂમબર્ગ રિપોર્ટના જવાબમાં એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "અમે બ્લૂમબર્ગના રિપોર્ટને સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ, જેમાં BYD અને બેઇજિંગ વેલિયન ન્યૂ એનર્જી ટેકનોલોજી સાથે કોઈ પણ જોડાણની વાત કરવામાં આવી છે. આ સમાચાર સંપૂર્ણપણે ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે." ગ્રુપે સ્પષ્ટ કર્યું કે તેઓ ભારતમાં બેટરી ઉત્પાદન માટે BYD સાથે કોઈ ભાગીદારીનું આયોજન કરી રહ્યા નથી, કે બેઇજિંગ વેલિયન ન્યૂ એનર્જી ટેકનોલોજી સાથે કોઈ વાટાઘાટો ચાલી રહી નથી.
ગ્રુપની ભવિષ્યની યોજનાઓ અને પોર્ટફોલિયો
અદાણી ગ્રુપે જણાવ્યું કે તેઓ આગામી પાંચ વર્ષમાં આશરે $૧૦૦ બિલિયનનું મોટું રોકાણ કરવાની યોજના પર કામ કરી રહ્યા છે, જે ભારતના ખાનગી ક્ષેત્ર માટે એક રેકોર્ડ છે. ગ્રુપે હાલમાં ભારતના સૌથી મોટા ઉર્જા વ્યવસાયોમાંથી એક ચલાવી રહ્યું છે, જેમાં થર્મલ, રિન્યુએબલ ઉર્જા ઉત્પાદન, ટ્રાન્સમિશન, વિતરણ, એલએનજી, બેટરી સ્ટોરેજ, ઇવી ચાર્જિંગ સ્ટેશન અને માઇનિંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અદાણી ગ્રુપ ભારતનું બીજું સૌથી મોટું સિમેન્ટ ઉત્પાદક પણ છે અને એરોસ્પેસ, સંરક્ષણ, ડેટા સેન્ટર અને રિયલ એસ્ટેટ જેવા ક્ષેત્રોમાં પણ ઝડપથી વિસ્તરણ કરી રહ્યું છે.