પંજાબ કૃષિ યુનિવર્સિટીને એઆઇ સંચાલિત ટ્રેક્ટર બનાવવામાં સફળતા
23, જુલાઈ 2025 લુધિયાણા   |   3069   |  

એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ ટ્રેક્ટર કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવશે

આ ટેકનોલોજી ખેડૂતોને ખેતી વિષયક કામો સરળતાથી કરી ઉત્પાદન વધારશે

પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના નિષ્ણાતોએ એઆઇ સંચાલિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ એવું ટ્રેકટર વિકસાવ્યું છે જે ખેતીકામને એક નવી જ ઉંચાઇએ લઇ જશે. વાઇસ ચાન્સેલર સતબીર સિંહ ગોસલે જણાવ્યું હતું કે એકવાર ખેડૂત જરૂરી માહિતી આપે કે ટ્રેકટર વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેડવું, વાવણી અને અન્ય ખેતીના કામ આપોઆપ કરી લે છે. જેને કારણે કૃષિ ઉત્પાદન વધે છે, થાક ઘટે છે અને શ્રમની જરૂરિયાતમાં ૪૦ ટકાનો ઘટાડો થાય છે.

ઓટો સ્ટિયરિંગ સિસ્ટમ લગાડેલાં ટ્રેક્ટરનું નિદર્શન કરતાં પંજાબ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ગોસલે જણાવ્યું હતું કે પ્રિસિઝન ફાર્મિગ માટે વિક્સાવવામાં આવેલી આ ટેકનોલોજી ખેડૂતોને વાવણી, નિંદામણ, રોપણી અને ખેતી વિષયક કામો તેમના ખેતરમાં કરવામાં સહાય કરશે. પંજાબ કૃષિ યુનિવર્સિટીનું સ્માર્ટ સીડર વાપરી ખેડૂત તેના કામોના નિર્ણય લેવાનું કામ પણ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ-એઆઇને સોંપી શકે છે.

કૃષિ અને વન ક્ષેત્રમાં કામમાં લેવાતી મશીનરી માટે ઉપયોગમાં લેવાતાં પ્રમાણિત કોમ્યુનિકેશન્સ પ્રોટોકોલ ઇસોબસથી સજ્જ કોન્સોલ આ ટ્રેકટરમાં ફીટ કરવામાં આવ્યું છે. જેના વડે એડવાન્સ ફિચર્સ જેમ કે જાતે વળાંક લેવો, વાવણીની હાર ટાળવી અને અન્ય કામો આપોઆપ થઇ શકે છે. માત્ર એક બટન દબાવી ખેડૂત ટ્રેક્ટરને મેન્યુઅલ મોડમાંથી ઓટોમેટિક મોડમાં મુકી શકે છે. આ સિસ્ટમમાં મહત્વના પૂર્જાઓમાં જીએનએસએસ રિસિવર મુખ્ય છે જેનો ઉપયોગ ચોકસાઇપૂર્ણ સ્થિતિ નક્કી કરવા માટે થાય છે. જ્યારે વ્હીલ એન્ગલ સેન્સર ગવંડરની મુવમેન્ટ નક્કી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત મોટરાઇઝડ સ્ટિયરીંગ યુનિટ ટ્રેક્ટરને આપોઆપ સંચાલન કરવામાં ઉપયોગી બને છે. વધુમાં કહ્યું હતુ કે, પ્રકાશ ઓછો હોય તેવા સંજોગોમાં પણ આ ટ્રેકટર બરાબર ચાલે છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution