22, જુલાઈ 2025
વોશીંગટન |
2079 |
ભારત અને અમેરિકા વચ્ચે અત્યાર સુધી સત્તાવાર રીતે 5 તબક્કામાં વાટાઘાટો થઈ ચૂકી છે.
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. જોકે, વારંવાર થઈ રહેલા મતભેદોના કારણે હવે આ ટ્રેડ ડીલની જાહેરાત સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિનામાં થશે તેવા અહેવાલ મળી રહ્યાં છે. ટ્રેડ ડીલ માટે ભારતીય ડેલિગેશન અમેરિકા ગયું હતું, પરંતુ કોઈ મોટી જાહેરાત વિના ડેલિગેશન ભારત પરત આવી ગયું છે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ઓગસ્ટ મહિનાના બીજા સપ્તાહમાં અમેરિકાનું ડેલિગેશન ભારત આવશે.
ભારત અને અમેરિકા વચ્ચે અત્યાર સુધી સત્તાવાર રીતે 5 તબક્કામાં વાટાઘાટો થઈ ચૂકી છે. ઓટો કમ્પોનેન્ટ્સ, સ્ટીલ આને કૃષિ પ્રોડક્ટ્સને લઈને બંને દેશો વચ્ચે મતભેદો છે જેના કારણે ડીલ પહેલા વાટાઘાટો લાંબી ખેંચાઇ રહી છે. ભારત સરકારે હાલમાં જ સ્પષ્ટ કર્યું હતું કે ટ્રેડ ડીલ ત્યારે જ થશે જ્યારે તે દેશહિતમાં હોય. ભારતે કૃષિ અને ડેરી સેક્ટરમાં અમેરિકાની માંગો સ્વીકારી નથી.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ માટે વિશ્વના દેશોને પહેલી ઓગસ્ટની ડેડલાઈન આપી હતી. એવામાં હવે એક્સપર્ટનું માનવું છે કે જ્યાં સુધી ટ્રેડ ડીલ ન થાય ત્યાં સુધી ભારતે 26 ટકા ટેરિફ માટે તૈયાર રહેવું પડશે.
બીજી તરફ ટ્રમ્પ વારંવાર દાવો કરી રહ્યા છે કે ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ લગભગ ફાઈનલ થઈ જ ગઈ છે અને ટૂંક સમયમાં મોટી જાહેરાત કરવામાં આવશે. જોકે બીજી તરફ ટ્રમ્પ બ્રિક્સ દેશોને વધારાના ટેરિફની ધમકી પણ આપી રહ્યા છે.