મિઝોરમમાં તુટેલા હાઈવેને કારણે ઓઈલ ટેન્કરોની હડતાળ:70% પેટ્રોલ પંપ બંધ
22, જુલાઈ 2025 આઈઝોલ   |   2178   |  

જરુરી ચીજવસ્તુઓનો પુરવઠો ઠપ્પ થયો, એક લિટર દૂધનો ભાવ 110 થયો

મિઝોરમમાં ત્રણ દિવસથી ચાલી રહેલી ઓઇલ ટેન્કર ડ્રાઈવરોની હડતાળને કારણે, રાજધાની આઈઝોલ સહિત રાજ્યના 70% પેટ્રોલ પંપો પર સ્ટોક ખાલી થયો છે. રાજ્ય સરકાર સતત ઓઇલ ટેન્કર્સ એસોસિએશન સાથે વાતચીત કરી રહી છે. જોકે, એસોસિએશનનું કહેવું છે કે તૂટેલા રસ્તાઓ પરથી ટેન્કર લાવી શકાય તેમ નથી.

હડતાળને કારણે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ તેમજ દૈનિક ઉપયોગની વસ્તુઓનો પુરવઠો ઠપ્પ થઈ ગયો છે. આના કારણે દરેક જરુરી ચીજવસ્તુઓ બમણા ભાવે વેચાઈ રહી છે. આઈઝોલમાં, મોટાભાગની શાકભાજી 100 થી 150 રૂપિયા પ્રતિ કિલોથી વધુ ભાવે વેચાઈ રહી છે.

એક લિટર દૂધનો ભાવ પણ 110 થી 160 રૂપિયાની વચ્ચે છે. જે ચોખા પહેલા 50 રૂપિયા પ્રતિ કિલો વેચાતા હતા તે હવે 75 રૂપિયામાં વેચાઈ રહ્યા છે. આઈઝોલ અને લુંગલેઈમાં સ્કૂલ બસો બંધ કરી દેવામાં આવી છે. બાળકો કાં તો ચાલીને સ્કૂલે જઈ રહ્યા છે અથવા સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે, 60 ટેન્કર દરરોજ 4-8 લાખ લિટર ફ્યુઅલ પૂરું પાડે છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL)ના 60થી વધુ ટેન્કર દરરોજ રાજ્યમાં આવે છે. તેઓ 100 પેટ્રોલ પંપોને લગભગ 4-8 લાખ લિટર પેટ્રોલ અને ડીઝલ સપ્લાય કરે છે. રાજધાની આઈઝોલમાં 25 ફયુઅલ પંપ છે. આમાંથી લગભગ બધા જ બંધ થવાના આરે છે.

મિઝોરમ ઓઇલ ટેન્કર ડ્રાઇવર્સ એસોસિએશન ના પ્રમુખ રોમેલ લાલરુદિકા કહે છે કે રસ્તો એટલો ખરાબ છે કે 6 કલાકની મુસાફરીમાં 4 દિવસ લાગી રહ્યા છે. અમને અમારા જીવનની ચિંતા છે. નેશનલ હાઈવે 6/306 એ મિઝોરમની લાઈફલાઈન છે. તે આસામના સિલચર શહેર દ્વારા રાજ્યને દેશના બાકીના ભાગો સાથે જોડે છે. તેલ સહિત તમામ પ્રકારના પુરવઠા આ નાશનલ હાઈવે દ્વારા આઈઝોલ પહોંચે છે. આ હાઈવેનો એક ભાગ NH- 6 કહેવાય છે.

MOTDA કહે છે કે હાઇવેનો 40 કિમી લાંબો સૈરાંગ-કૌનપુઇ ભાગ એટલો ખરાબ છે કે ઓઈલના ટેન્કર ત્યાંથી પસાર થઈ શકતા નથી. તૂટેલા રસ્તાઓ પર ઓઈલની હિલચાલને કારણે ટેન્કર ગેસ ચેમ્બર બની શકે છે. તેથી, અમે સેવાઓ અનિશ્ચિત સમય માટે બંધ કરી દીધી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution