અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથનું IMFમાંથી રાજીનામું
22, જુલાઈ 2025 વોશીંગટન   |   2673   |  

 સાત વર્ષ બાદ હાર્વર્ડ યુનિવર્સિટીમાં વાપસી

 ભારતીય મૂળના અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગીતા સાત વર્ષથી IMF સાથે સંકળાયેલા હતાં. રાજીનામું આપવા પાછળનું કારણ તેમનો શિક્ષણ પ્રત્યેનો લગાવ હોવાનું કહ્યું હતું. તેઓ ફરીથી હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણાવવા જશે. ગોપીનાથના રાજીનામાં બાદ આઈએમએફના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવા ગોપીનાથની કામગીરી સંભાળશે.

ગીતા ગોપીનાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ મારફત રાજીનામા અંગેની જાહેરાત કરી હતી કે, 'IMF સાથે લગભગ સાત અદ્ભુત વર્ષ પસાર કર્યા બાદ મેં મારા શૈક્ષણિક મૂળ તરફ પાછા ફરવાનો નિર્ણય લીધો છે.' ગીતા ગોપીનાથ 2019માં આઈએમએફમાં ચીફ ઈકોનોમિસ્ટ તરીકે જોડાયા હતાં. તેઓ આઈએમએફમાં આ ભૂમિકા નિભાવનારા પ્રથમ મહિલા હતા. બાદમાં જાન્યુઆરી, 2022માં તેમને ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર પદે પ્રમોશન મળ્યું હતું.

IMF માં જોડાતા પહેલા, ગીતા ગોપીનાથે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ સ્ટડીઝ અને ઇકોનોમિક્સના જોન ઝ્વાન્સ્ટ્રા પ્રોફેસર હતા. તે પહેલાં, તેઓ શિકાગો યુનિવર્સિટીના બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાં અર્થશાસ્ત્રના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરી રહ્યા હતા. આગામી એક સપ્ટેમ્બરથી ફરી તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગમાં પ્રોફેસર તરીકે પોતાની નવી ઈનિંગ શરૂ કરશે

તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે IMFની રાજકોષીય અને નાણાકીય નીતિ, લોન પ્રક્રિયા અને આંતરરાષ્ટ્રીય વેપાર પરની નીતિઓનું નિરીક્ષણ કર્યું. તેમણે કોવિડ-19 મહામારીથી માંડીને વૈશ્વિક આર્થિક મંદી સુધીની જટિલ પરિસ્થિતિઓમાં IMF ને મજબૂત દિશા આપી હતી. ઉલ્લેખનિય છે કે, ગીતા ગોપીનાથનો જન્મ ભારતમાં થયો હતો અને તેમણે ભારત અને અમેરિકા બંનેમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક, દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી માસ્ટર ડિગ્રી અને પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution