અમેરિકામાં GENIUS ACT પસાર, ક્રિપ્ટો યુઝર્સને મોટો ફાયદો
19, જુલાઈ 2025 વોશિંગટન   |   1782   |  

ટ્રમ્પે BRICS સામે નિશાન તાક્યું, ડિજિટલ કરન્સીમાં વિશ્વ અગ્રણી બનાવવાનો હેતુ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે યુએસ સ્ટેબલકોઇન્સ એટલે કે ડોલર-પેગ્ડ ક્રિપ્ટોકરન્સી માટે નિયમનકારી વ્યવસ્થા બનાવવા માટેના કાયદા 'ગાઇડિંગ એન્ડ એસ્ટાબ્લિશિંગ નેશનલ ઇનોવેશન ફોર યુએસ સ્ટેબલકોઇન્સ એક્ટ' એટલે કે 'જીનિયસ એક્ટ' પર હસ્તાક્ષર કરીને એક ઐતિહાસિક પગલું ભર્યું. નિષ્ણાંતો આ કાયદાને એક સીમાચિહ્નરૂપ કહી રહ્યાં છે.

આ કાયદાનો હેતુ અમેરિકાને ડિજિટલ કરન્સીમાં વિશ્વ અગ્રણી બનાવવાનો અને વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં યુએસ ડોલરની સર્વોપરિતાને વધુ મજબૂત બનાવવાનો હોવાનું કહેવાય છે. ટ્રમ્પે મજાકમાં કહ્યું, 'આ કાયદો મારા નામ પરથી રાખવામાં આવ્યો છે. આ ખરેખર એક અદ્ભુત કાયદો છે!' આ પ્રસંગે, ટ્રમ્પે બ્રિક્સ દેશો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા ને ચેતવણી આપી હતી કે ડોલરની શક્તિને પડકારવાનો કોઈપણ પ્રયાસ નિરર્થક રહેશે.

GENIUS એક્ટ પર હસ્તાક્ષર કરતી વખતે, ટ્રમ્પે BRICS દેશો પર કટાક્ષ કરતા કહ્યું, 'BRICS નામનો એક નાનો સમૂહ છે, જે ઝડપથી નબળો પડી રહ્યો છે. આ દેશોએ ડોલરની શક્તિ અને પ્રાધાન્યતાને પડકારવાનો પ્રયાસ કર્યો હતો. મેં સ્પષ્ટ કર્યું કે અમે BRICS દેશ પર 10% ટેરિફ લાદીશું. ટ્રમ્પે ફરી એકવાર ધમકી આપી કે, 'જો BRICS ડોલરને નબળો પાડવાનો પ્રયાસ કરશે, તો તેમનું ગઠબંધન ટૂંક સમયમાં પૂરું થઈ જશે. જો અમે ડોલરની વૈશ્વિક રિઝર્વ ચલણ તરીકેનો દરજ્જો ગુમાવીશું, તો તે વિશ્વ યુદ્ધ હારવા જેવું હશે. જે અમે ક્યારેય થવા દઈશું નહીં.'


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution