૨૯ રૂપિયાનો ઘરેલુ રાંધણગેસ સિલિન્ડરના ભાવમાં વધારો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, જુન 2026  |   2079

દેશની રાજધાની દિલ્હીમાં સામાન્ય નાગરિકોના બજેટને ખોરવતા માઠા સમાચાર સામે આવ્યા છે. ૭ જૂનથી દિલ્હીમાં ૧૪.૨ કિલોગ્રામવાળા ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. ગેસ સિલિન્ડરનો ભાવ ૯૧૩ રૂપિયાથી વધીને હવે ૯૪૨ રૂપિયા થઈ ગયો છે, એટલે કે સીધો ૨૯ રૂપિયાનો વધારો નોંધાયો છે.

દિલ્હી-એનસીઆરમાં ૧૪.૨ કિલોગ્રામના ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ હવે ૯૪૨ રૂપિયા પર પહોંચી ગયો છે. ૫ કિલોગ્રામના સિલિન્ડરનો ભાવ ૩૩૯ રૂપિયા છે. વધુમાં ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૩,૧૧૩ રૂપિયા પર યથાવત છે. છેલ્લા ત્રણ મહિનામાં એલપીજી સિલિન્ડરના ભાવમાં આ બીજાે વધારો છે. અગાઉ ૭ માર્ચના રોજ ૬૦ રૂપિયાનો વધારો કરાયો હતો. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને વૈશ્વિક ઊર્જા બજારમાં ઉથલપાથલને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઇંધણના ભાવમાં વધારો થયો હતો.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા સાથે એલપીજી ઘરેલુ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થવાની અટકળો શરૂ થઈ ગઈ હતી. ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા ઈરાન યુદ્ધને કારણે પુરવઠામાં વિક્ષેપ પડ્યો હોવા છતાં ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો ન હતો. સરકારે ૧ મેના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો હતો. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૯૯૩ અને ૫ કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં ૨૬૧નો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧ જૂનના રોજ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૪૨ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

 એલપીજી ગેસ સિલિન્ડરના પુરવઠા અંગે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે. કટોકટી છતાં કોઈપણ રિટેલ ગેસ એજન્સીએ ગેસની અછતની જાણ કરી નથી. મંત્રાલયે એમ પણ જણાવ્યું હતું કે એલપીજી ગેસ સિલિન્ડરના સંગ્રહ અને કાળાબજારને રોકવા માટે દેશભરમાં સતત કાર્યવાહી ચાલી રહી છે.સરકારનું કહેવું છે કે હોર્મુઝ સ્ટ્રેટ કટોકટી છતાં દેશભરમાં પેટ્રોલિયમ ઉત્પાદનો અને એલપીજીની અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. વધુમાં બધી રિફાઇનરીઓ ઉચ્ચ ક્ષમતા પર કાર્યરત છે અને તેમના પાસે પૂરતા પ્રમાણમાં ક્રૂડ ઓઇલનો ભંડાર છે. રિફાઇનરીઓમાં સ્થાનિક એલપીજી ઉત્પાદનમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

સરકારે ઓનલાઈન બુકિંગ અંગે એક નિવેદન પણ જાહેર કર્યું છે. સરકારનું કહેવું છે કે રસોઈ ગેસનું ઓનલાઈન બુકિંગ ૯૯ ટકા સુધી વધી ગયું છે. વિતરક સ્તરે ગેસની ઉચાપત અટકાવવા માટે ગ્રાહકોના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવતા પ્રમાણીકરણ કોડના આધારે ૯૫ ટકા ડિલિવરી કરવામાં આવી રહી છે.

આ અગાઉ ૭ માર્ચના રોજ પણ પ્રતિ સિલિન્ડર ૬૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. તે સમયે પશ્ચિમ એશિયા (વેસ્ટ એશિયા) માં ચાલી રહેલા તણાવ અને સંઘર્ષને કારણે વૈશ્વિક એનર્જી સપ્લાય ખોરવાઈ ગઈ હતી અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણના ભાવ આકાશે આંબ્યા હતા. ઉદ્યોગ જગતના સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ કરાયેલા ભાવવધારાથી ઓઇલ કંપનીઓના નુકસાનની માત્ર આંશિક ભરપાઈ જ થઈ શકી હતી. આ તાજેતરના ફેરફાર પહેલા સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને વેચાતા દરેક એલપીજી સિલિન્ડર પર અંદાજે ૭૦૩ રૂપિયાનું મોટું નુકસાન થઈ રહ્યું હતું.

આ જ મહિનાની ૧ જૂને ૧૯ કિલોગ્રામવાળા કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ મોટો વધારો કરાયો હતો. દિલ્હીમાં કમર્શિયલ સિલિન્ડર ૪૨ રૂપિયા મોંઘો થઈને ૩૧૧૩.૫૦ રૂપિયા અને કોલકાતામાં ૫૩.૨૦ રૂપિયાના વધારા સાથે ૩૨૫૫.૫૦ રૂપિયા ની સપાટીએ પહોંચી ગયો છે. નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકો દ્વારા વપરાતા ૫ કિલોગ્રામના એફટીએલ સિલિન્ડરના ભાવમાં પણ ૧૧ રૂપિયાનો ઇજાફો કરાયો છે. ઇંધણના ભાવોમાં આ વધારો માત્ર ગેસ સિલિન્ડર પૂરતો સીમિત નથી. મે મહિનાથી અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કુલ મળીને ૭.૫૦ રૂપિયા પ્રતિ લીટરનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે.

જ્યારે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસના દરોમાં પણ આશરે ૬ રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો થઈ ચૂક્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution