લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, જુલાઈ 2026 |
2376
ભારતમાં ઈ૨૦ ફ્યુઅલને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે એક કેસમાં પહેલીવાર કોર્ટે આદેશ જાહેર કર્યો છે. છત્તીસગઢના રાયપુર જિલ્લામાં કન્ઝ્યુમર કોર્ટે ગાડીના માલિકની તરફેણમાં પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. કારના માલિકે આરોપ લગાવ્યો હતો કે ઈ૨૦ તેલના કારણે તેના વાહનને ઘણું નુકસાન પહોંચ્યું હતું અને વારંવાર રિપેર કરાવવા છતાં કોઈ રાહત ન મળી, માત્ર ખર્ચ જ વધ્યો. ગ્રાહકનો દાવો હતો કે ઈ૨૦ પેટ્રોલ ભરાવ્યા પછીથી તેની કારના એન્જિનમાં ગરબડ થવા લાગી હતી. એન્જિનનું પરફોર્મન્સ ખરાબ થઈ ગયું, મિસફાયરિંગ અને માઇલેજમાં પણ ઘટાડો જાેવા મળ્યો. વારંવાર સર્વિસ સેન્ટર પર લઈ જઈને કાર રિપેર કરાવવા છતાં આ સમસ્યાઓ યથાવત રહી, જેના કારણે ગ્રાહકનો ઘણો ખર્ચ થયો. કાર માલિકે આ કેસ જાણીતી કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ પર કર્યો હતો. કોર્ટે સુનાવણી બાદ કંપનીને નિર્દેશ આપ્યા છે કે ૪૫ દિવસની અંદર તે જ મોડેલની નવી કાર ફરિયાદીને આપવામાં આવે. આ ગાડી ઈ૨૦ ફ્યુઅલથી ચાલવા યોગ્ય હોવી જાેઈએ. જાે કંપની એવું નહીં કરે, તો વાહન માલિકને કારની પૂરી કિંમત પરત કરવી પડશે. આ રકમ ૨૦.૫૦ લાખ રૂપિયા હશે.
આટલું જ નહીં, કોર્ટે ફરિયાદીને થયેલી માનસિક સતામણી બદલ પણ ૧ લાખ રૂપિયાનું વળતર અને કેસના ખર્ચ પેટે ૧૦ હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. કન્ઝ્યુમર કોર્ટ સમક્ષ ફરિયાદીએ એ બાબતના પુરાવા રજૂ કર્યા કે તેની ગાડીના એન્જિનમાં ઈ૨૦ ફ્યુઅલ જમા થયેલું જાેવા મળ્યું હતું. વર્કશોપમાં તેને રિપેર કરાવવામાં આવ્યું, પરંતુ તેના થોડા જ દિવસો પછી પેટ્રોલ ટેન્કમાં કોઈ સફેદ અને ચીકણું પ્રવાહી મળ્યું.