લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, જુલાઈ 2026 |
2673
ભારતના કાચા તેલના આયાત બિલમાં મોટો વધારો નોંધાયો છે. એપ્રિલથી જૂન ૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનું ક્રૂડ ઓઈલ આયાત બિલ ૬૧ ટકા વધીને ૪૯.૮ અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. જાેકે, આ સમયગાળા દરમિયાન ભારતે ગયા વર્ષની સરખામણીએ કાચા તેલની ઓછી આયાત કરી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના વધેલા ભાવને કારણે આયાત ખર્ચમાં ભારે વધારો થયો છે. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC))ના આંકડા મુજબ, એપ્રિલ-જૂન દરમિયાન ભારતે કુલ ૫૯.૮ મિલિયન ટન કાચું તેલ આયાત કર્યું હતું.
ગયા વર્ષે આ જ સમયગાળામાં ૬૨.૬ મિલિયન ટન આયાત કરવામાં આવ્યું હતું. એટલે કે આયાતના જથ્થામાં લગભગ ૪ ટકાનો ઘટાડો થયો હોવા છતાં, ઊંચી કિંમતોને કારણે કુલ આયાત બિલમાં મોટો ઉછાળો આવ્યો છે. જૂન મહિનામાં ભારતે ૧૮.૯ મિલિયન ટન કાચું તેલ આયાત કર્યું હતું, જે ગયા વર્ષના જૂન કરતાં લગભગ ૭ ટકા ઓછું હતું. તેમ છતાં, જૂન મહિનાનું આયાત બિલ ૪૮ ટકા વધીને ૧૪.૭ અબજ ડોલર થયું છે. આ આંકડા દર્શાવે છે કે વૈશ્વિક બજારમાં વધેલા ક્રૂડ ઓઈલના ભાવની સીધી અસર ભારતના ખર્ચ પર પડી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, અમેરિકા અને ઈરાન વચ્ચેના વધેલા તણાવ તથા હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી અનિશ્ચિતતાના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી જાેવા મળી હતી.