લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, જુન 2026 |
2079
દેશની અગ્રણી જ્વેલરી અને ગોલ્ડ એક્સપોર્ટ કંપનીઓમાં સ્થાન ધરાવતી ‘રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડ’ પર કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મોટી તવાઈ બોલાવી છે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ ૧૯૯૯ની જાેગવાઈઓના કથિત અને શંકાસ્પદ ઉલ્લંઘન મામલે એક્શનમાં આવેલી ઇડીની ટીમોએ મંગળવારથી જ બેંગલુરુ અને મુંબઈમાં કંપની તેમજ તેની સાથે જાેડાયેલી વ્યક્તિઓના ૯ મહત્વના પરિસરો પર એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ હાઈ-પ્રોફાઈલ દરોડાના પગલે આજે કૉર્પોરેટ ગલીઓમાં સનસનાટી મચી ગઈ છે.
કંપની સામે લાંબા સમયથી ચાલી રહેલી તપાસ દરમિયાન વિદેશી વ્યવહારો અને નાણાકીય લેણદેણમાં ભારે વિસંગતતાઓ સામે આવી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે વિદેશી વ્યવહારોના અનેક મહત્વના રેકોર્ડ ગાયબ છે. આશરે રૂ.૩,૦૦૦ કરોડના શંકાસ્પદ અને અપારદર્શક ટ્રેડ સેટ-ઓફ, કંપનીના વાસ્તવિક સ્ટોકમાં મોટી અસમનતા અને ઑફશોર બેનામીદારો (વિદેશી નકલી રોકાણકારો) દ્વારા શેરબજારમાં કંપનીના શેરના ભાવમાં કૃત્રિમ હેરાફેરી કરવા જેવા ગંભીર આક્ષેપો અને પુરાવાઓ બહાર આવ્યા છે.