લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, જુન 2026 |
2574
ખાદ્ય તેલ બનાવતી કંપનીઓ દ્વારા ગ્રાહકો સાથે કરવામાં આવતી ‘પેકેજિંગ છેતરપિંડી’ પર કેન્દ્ર સરકારે કડક પ્રહાર કર્યો છે. કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે એક ઐતિહાસિક જાહેરનામું બહાર પાડીને ખાદ્ય તેલના મનસ્વી પેકેજિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. હવેથી કોઈપણ કંપની પોતાની મરજી મુજબ ગમે તેવા કદના પેકેટ બજારમાં ઉતારી શકશે નહીં. સરકારે ગ્રાહકોના હિત રક્ષણ માટે માત્ર ૯ પ્રમાણભૂત (સ્ટાન્ડર્ડ) કદ નક્કી કર્યા છે, જેમાં ૨૦૦ ગ્રામ, ૫૦૦ ગ્રામ, ૧ કિલો, ૨ કિલો, ૩ કિલો, ૪ કિલો, ૫ કિલો, ૧૫ કિલો અને ૨૦ કિલોના પેકેજનો જ સમાવેશ થાય છે. આ નિયમ પામ ઓઇલ, સોયાબીન, સૂર્યમુખી, સરસવ અને મગફળી સહિતના તમામ ખાદ્ય તેલો અને તેમના મિશ્રણો પર સમાન રીતે લાગુ પડશે. સરકારને આ કડક પગલું ભરવાની જરૂર એટલા માટે પડી કારણ કે છેલ્લા કેટલાક સમયથી ખાદ્ય તેલ કંપનીઓએ માર્કેટમાં એક ચાલાકીપૂર્ણ ટ્રેન્ડ અપનાવ્યો હતો. તેલના ભાવ સીધા વધારવાને બદલે કંપનીઓ ગ્રાહકોની નજર ચૂકવીને પેકેટનું કદ ઘટાડી દેતી હતી. બજારમાં ૧ કિલો કે ૧ લિટરના સ્થાને ૮૫૦ ગ્રામ, ૯૦૦ ગ્રામ કે ૯૧૦ ગ્રામ જેવા અસામાન્ય કદના પેકેટ્સનો રાફડો ફાટ્યો હતો. સામાન્ય ગ્રાહક દુકાને જઈને તેને ૧ કિલોનું પેકેટ સમજીને જ ખરીદતો હતો, જેના કારણે તેના ખિસ્સા પર સીધો કાતર ચાલતી હતી. અલગ-અલગ બ્રાન્ડ્સના આવા ભ્રામક કદને લીધે ગ્રાહકો માટે સાચી કિંમતની તુલના કરવી પણ અશક્ય બની ગઈ હતી, જેનો અંત લાવવા હવે ૮૫૦ ગ્રામ જેવા તમામ વચગાળાના પેકેટ્સ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.