લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, જુન 2026 |
3069
પશ્ચિમ એશિયામાં ભભૂકેલી જંગની જ્વાળાઓએ સોમવારે ભારતીય શેરબજારને ધ્રુજાવી દીધું છે, જેના કારણે દલાલ સ્ટ્રીટ પર બ્લેક મન્ડે જેવો માહોલ સર્જાયો હતો. ઈરાન દ્વારા ઈઝરાયલ પર કરવામાં આવેલા ભીષણ મિસાઈલ હુમલા બાદ વૈશ્વિક અર્થતંત્ર પર સંકટના વાદળો ઘેરાયા છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી પત્તાના મહેલની જેમ તૂટી પડ્યા હતા. શરૂઆતના મિનિટોમાં જ મુંબઈ શેરબજારનો સેન્સેક્સ ૮૦૦ પોઈન્ટથી વધુ ગબડીને ૭૩,૪૫૮ ની સપાટીએ પહોંચી ગયો હતો, જ્યારે નિફ્ટી પણ ૨૫૦ પોઈન્ટનો આંચકો ખાઈને ૨૩,૧૩૧ પર આવી ગયો હતો. આ ભયાનક કડાકાને કારણે રોકાણકારોની જંગી સંપત્તિ ધોવાઈ ગઈ હતી અને માત્ર ગણતરીની મિનિટોમાં જ રૂ.૫ લાખ કરોડનો ધુમાડો થઈ ગયો હતો. યુદ્ધના આ વૈશ્વિક આંચકાથી સેન્સેક્સની ટોચની ૩૦ કંપનીઓમાંથી ૨૮ કંપનીઓના શેર લાલ નિશાન સાથે ખૂલ્યા હતા. એવિએશન સેક્ટરની અગ્રણી કંપની ઇન્ડિગોના શેરમાં સૌથી વધુ ૧.૯૮% નો ઘટાડો નોંધાયો હતો, જ્યારે બજાજ ફાઇનાન્સ, ટાટા સ્ટીલ, એશિયન પેઇન્ટ્સ અને ટીસીએસ જેવી બ્લુચિપ કંપનીઓમાં પણ ભારે વેચવાલીનું દબાણ જાેવા મળ્યું હતું.
આ વૈશ્વિક મહામંદીની અસર માત્ર ભારત પૂરતી સીમિત નહોતી, પરંતુ સમગ્ર એશિયન બજારો આ યુદ્ધની આગમાં હોમાયા હતા. દક્ષિણ કોરિયાના શેરબજારમાં તો ૯ ટકાથી વધુનો ઐતિહાસિક કડાકો બોલી જતાં ત્યાં ૨૦ મિનિટ માટે ટ્રેડિંગ રોકવું પડ્યું હતું, જ્યારે જાપાનનો નિક્કી પણ ૫ ટકા જેટલો ક્રેશ થયો હતો.