અમેરિકા સાથે વેપાર કરતી વખતે ભારતે સાવચેત રહેવું પડશે, પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને ચેતવ્યાં
19, જુલાઈ 2025 નવી દિલ્હી   |   2277   |  

પોતાના કૃષિ ક્ષેત્રને જંગી સબસિડી આપતા વિકસિત દેશોના ઉત્પાદનોનો ભારતમાં પ્રવેશ ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી શકે

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લા ઘણા સમયથી કહે છે કે ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મીની ટ્રેડ ડીલની જાહેરાત કરાશે. અમેરિકા સાથે આ વેપાર સોદાની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે ત્યારે આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારતને ચેતવણી આપી છે કે અમેરિકા સાથે વેપાર સોદો કરતી વખતે ખૂબ જ સાવધ રહેવું પડશે. વિશેષરૂપે કૃષિ ક્ષેત્રના સંદર્ભમાં સાવચેતી રાખવી પડશે. કારણ કે આ ક્ષેત્રને વિકસિત દેશો દ્વારા મોટી રકમની સબસિડી આપવામાં આવે છે.

રઘુરામ રાજને જણઆવ્યું હતું કે, ભારતનું અર્થતંત્ર 6-7 ટકાના દરે વિકાસ કરી રહ્યું છે અને વૈશ્વિક વેપાર અનિશ્ચિતતાથી ભારતીય અર્થતંત્ર પર આંશિક અસર થઈ શકે છે. ભારત અમેરિકાના વેપાર સોદાના સંદર્ભમાં રઘુરામ રાજને કહ્યું કે, મારું માનવું છે કે કૃષિ જેવા ક્ષેત્રોમાં વેપાર સોદાની વાટાઘાટો ઘણી મુશ્કેલ બની શકે છે. દરેક દેશ પોતાના ખેડૂતોને જંગી સબસિડી આપે છે. આપણા ખેડૂતોને પણ સમબસિડી મળે છે, પરંતુ તે એકંદરે ઓછી હોય છે. આવી સ્થિતિમાં આપણા દેશમાં કૃષિ ઉત્પાદનોનો અનિયંત્રીત પ્રવાહ ઘરઆંગણે ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

આ સપ્તાહના પ્રારંભમાં ભારતીય ટીમ અમેરિકા સાથે સૂચિત દ્વિપક્ષીય વેપાર કરાર માટે ચર્ચાના પાંચમા તબક્કા માટે વોશિંગ્ટન પહોંચી હતી. અગ્રણી અર્થશાસ્ત્રીએ સવાલ કર્યો હતો કે, શું આપણે વિકસિત દેશો તરફથી કૃષિ ક્ષેત્રમાં વધુ વિદેશી રોકાણને પ્રોત્સાહન આપી શકીશું? અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકાએ ઈન્ડોનેશિયા સાથે કરાર કરી લીધો છે. ભારત સાથે પણ આ જ લાઈનમાં કરાર થવાના છે. ટ્રમ્પે અમેરિકાને ભારતના કૃષિ ક્ષેત્રમાં પ્રવેશ મળવાના સંકેતો આપ્યા છે. જોકે, કૃષિ ક્ષેત્રમાં અમેરિકાને પ્રવેશ આપવાથી ભારતમાં સરકાર માટે રાજકીય વિવાદનો મુદ્દો બની શકે છે.

હાલમાં શિકાગો બૂથમાં ફાઈનાન્સના પ્રોફેસર રઘુરામ રાજને કહ્યું કે, ભારતે અમેરિકા સાથે વેપાર વાટાઘાટો કરતી વખતે ખૂબ જ સાવચેતી અને સાવધાની રાખવાની જરૂર છે. મને આશા છે કે આપણા સરકારી અધિકારીઓ આ બાબત સમજતા જ હશે.

ભારતે કૃષિ અને ડેરી ઉત્પાદનો પર ડયુટીમાં છૂટછાટની અમેરિકાની માગણી સામે આકરું વલણ અપનાવ્યું છે. નવી દિલ્હીએ હજુ સુધી કોઈપણ દેશ સાથે દ્વિપક્ષીય વેપાર કરતી વખતે ડેરી સેક્ટરમાં કોઈને પણ છૂટછાટ આપી નથી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution