22, જુલાઈ 2025
માન્ચેસ્ટર |
2079 |
અંશુલ કંબોજ મેચમાં ડેબ્યૂ કરવાની તક મળે તેવી શક્યતા
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની ચોથી મેચ આવતિકાલે બુધવારે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાશે. પરંતુ ચોથી ટેસ્ટ પહેલા ભારતીય ટીમના પ્લેઇંગ ઈલેવન વિશે હજુ ચિત્ર સ્પષ્ટ થયુ નથી. ફાસ્ટ બોલર આકાશ દીપ ફિટ નથી, તેથી અંશુલ કંબોજને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડી સમગ્ર પ્રવાસમાંથી બહાર છે, જ્યારે અર્શદીપ સિંહ પણ ફિટનેસ સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો છે. કરુણ નાયર પોતાનું સ્થાન જાળવી રાખશે કે સાઈ સુદર્શનને તક મળશે તે અંગે હજુ અંતિમ નિર્ણય લેવાનો નથી.
ભારતીય ટીમે ચોથી ટેસ્ટ પહેલા સોમવારે આઉટડોર ટ્રેનિંગ સેશન યોજ્યું હતું. આ દરમિયાન ફાસ્ટ બોલર આકાશ દીપે બોલિંગ કરી, પરંતુ તે ફિટ જોવા મળ્યો ન હતો. લોર્ડ્સ ટેસ્ટથી તે ગ્રોઈન ઈન્જરીથી પીડાઈ રહ્યો છે. તેમણે કોચ મોર્ને મોર્કેલની દેખરેખ હેઠળ બોલિંગ કરી હતી. આ ઉપરાંત આકાશ દીપ દર્શકની જેમ સાઇડલાઇન પર ઊભો રહ્યો, તેની સાથે અર્શદીપ સિંહ પણ જોવા મળ્યો, જે હાથની ઇજાને કારણે પહેલાથી જ બહાર થઈ ગયો છે. જો આકાશ દીપ પણ ફિટ ન થાય, તો ટીમે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સાથે ત્રીજા ફાસ્ટ બોલર તરીકે પ્રસિદ્ધ કૃષ્ણ અથવા અંશુલ કંબોજમાંથી કોઈ એકને પસંદ કરવો પડશે.
અર્શદીપના કવર તરીકે જોડાયેલા હરિયાણાના અંશુલ કંબોજનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે તેને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. અંશુક કંબોજે નેટ્સમાં લગભગ એક કલાક ઝડપી બોલિંગ કરી. તેની સાથે સિરાજ, બુમરાહ, પ્રસિદ્ધ અને શાર્દુલ ઠાકુર પણ બોલિંગ કરી રહ્યા હતા. કંબોઝે પણ હળવી બેટિંગ કરી, જે એ પણ દર્શાવે છે કે તે નીતિશ રેડ્ડીની જગ્યાએ ઓલરાઉન્ડર વિકલ્પ બની શકે છે.
સિરાજે પ્રેક્ટિસ સેશન દરમિયાન આક્રમક બોલિંગ કરી, ખાસ કરીને શુભમન ગિલ, કે.એલ. રાહુલ અને રિષભ પંત સામે. બુમરાહ મેદાનમાં આવ્યો અને બોલિંગ કરી કારણ કે પ્રેક્ટિસ પિચ થોડી લપસણી હતી.
જોકે, કરુણ નાયરના સ્થાન અંગે પણ ચર્ચા ચાલી રહી છે. જોકે, તેણે પ્રેક્ટિસમાં સારી બેટિંગ કરી. સાઈ સુદર્શન નેટમાં પણ સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે રમ્યો અને સ્લિપમાં કેચિંગની પ્રેક્ટિસ પણ કરી. એવું માનવામાં આવે છે કે તે નાયરનું સ્થાન લઈ શકે છે.