બાંગ્લાદેશ પ્લેન ક્રેશમાં મૃત્યુઆંક 20 પર પહોંચ્યો,
22, જુલાઈ 2025 ઢાકાં   |   2079   |  

વાયુ સેનાની હાઈ લેવલ તપાસ શરૂ, પાઇલટે વિમાનને દૂર લઈ જવાની કોશિશ કરી હતી

સોમવારે બાંગ્લાદેશના ઢાકામાં માઇલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજ કેમ્પસમાં ભારતીય વાયુસેનાનું ટ્રેનર વિમાન F-7 BGI ક્રેશ થતાં 20 લોકોનાં મોત થયાં હતાં. આ અકસ્માત બપોરે 1 વાગ્યાની આસપાસ થયો હતો. બાંગ્લાદેશી સેનાએ જણાવ્યું હતું કે આ અકસ્માત ટેક્નિકલ ખામીને કારણે થયો હતો. પાઇલટે વિમાનને વસ્તીથી દૂર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે શાળા સાથે અથડાયું હતું. વાયુસેનાએ ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી છે.

અકસ્માતમાં માર્યા ગયેલાઓમાં 16 વિદ્યાર્થીઓ, 2 શિક્ષકો અને પાઇલટનો સમાવેશ થાય છે. અન્ય એક મૃતક વિશે હજુ સુધી માહિતી ઉપલબ્ધ નથી. 171થી વધુ લોકો ઘાયલ થયા છે. 60થી વધુ ઘાયલોને બર્ન ઇન્સ્ટિટ્યૂટમાં રિફર કરવામાં આવ્યા છે.

25થી વધુ વિદ્યાર્થીઓની હાલત ગંભીર છે. નાની-મોટી ઇજાઓ પામેલા અનેકને ઉત્તરા મેડિકલ કોલેજમાં સારવાર આપવામાં આવી રહી છે.આ ઘટનાને કારણે સરકારે રાજ્ય શોકનો દિવસ જાહેર કર્યો છે. અકસ્માત સમયે સ્કૂલમાં ક્લાસ ચાલુ હતા અને સેંકડો વિદ્યાર્થીઓ ત્યાં હાજર હતા.

ઇન્ટર-સર્વિસીઝ પબ્લિક રિલેશન્સ (ISPR)એ પુષ્ટિ આપી છે કે ફ્લાઇટ લેફ્ટનન્ટ મોહમ્મદ તૌકીર ઇસ્લામ વિમાનના પાઇલટ હતા.અકસ્માત સમયે નજીકની ઇમારતમાં હાજર વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે વિમાન તેમની ઇમારત સાથે અથડાયું હતું અને બાજુની ઇમારતના દરવાજા પાસે પડ્યું હતું. જેના કારણે ત્યાં તરત જ આગ લાગી ગઈ હતી.

વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે આ વિમાન દુર્ઘટનામાં વાયુસેનાના સભ્યો, માઇલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષક અને કર્મચારીઓ સહિત જે લોકોને નુકસાન થયું છે એ ભરપાઈ થઈ શકે એમ નથી. આ દેશ માટે એક ખૂબ જ દુઃખદ ક્ષણ છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું અને બધી સંબંધિત હોસ્પિટલો અને અધિકારીઓને આદેશ આપું છું કે તેઓ સંપૂર્ણ ગંભારતાથી આ સ્થિતિને સંભાળે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution