23, જુલાઈ 2025
માન્ચેસ્ટર |
3267 |
ટીમ ઈન્ડિયા માટે શ્રેણી જીવંત રાખવાની અંતિમ તક
આજે 23 જુલાઈથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ રમાશે, જે ટીમ ઈન્ડિયા માટે અત્યંત મહત્વની છે. આ શ્રેણીમાં હાલમાં ઈંગ્લેન્ડ 2-1 ની લીડ સાથે આગળ છે. ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં 5 વિકેટથી જીત મેળવી હતી, જ્યારે ભારતે બીજી ટેસ્ટમાં 336 રનની ઐતિહાસિક જીત સાથે શાનદાર વાપસી કરી હતી. જોકે, ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતને 22 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ટીમ ઈન્ડિયા એ શ્રેણીમાં લીડ મેળવવાની તક ગુમાવી દીધી હતી. હવે આ ચોથી ટેસ્ટ ટીમ ઈન્ડિયા માટે ‘કરો યા મરો’ જેવી છે, કારણ કે શ્રેણી જીતવા માટે ભારતે બાકીની બંને મેચ જીતવી જરૃરી છે.
ઓલ્ડ ટ્રેફોર્ડનું મેદાન ભારતીય ટીમ માટે પડકારજનક રહ્યું છે. ભારતે અહીં અત્યાર સુધી 9 ટેસ્ટ મેચો રમી છે, પરંતુ એકપણ જીતી શક્યું નથી. આ 9 મેચોમાં 4 માં હારનો સામનો કરવો પડ્યો, જ્યારે 5 મેચ ડ્રો રહી. આવી સ્થિતિમાં, શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમ આ મેદાન પર ઇતિહાસ રચવાના ઇરાદા સાથે ઉતરશે. શ્રેણીને 2-2થી બરાબર કરવા અને અંતિમ મેચમાં જીતની આશા જીવંત રાખવા માટે આ મેચ નિર્ણાયક છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની આ રોમાંચક ચોથી ટેસ્ટ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. ઈંગ્લેન્ડે ચોથી ટેસ્ટ મેચ માટે પોતાની પ્લેઇંગ ઇલેવનમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. સ્પિનર શોએબ બશીર ઇજાને કારણે આ શ્રેણીમાંથી બહાર થયો છે, અને તેના સ્થાને લિયામ ડોસનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. લિયામ ડોસન 8 વર્ષ પછી ટેસ્ટ ફોર્મેટમાં ઈંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવનમાં પરત ફર્યો છે.
ભારતીય ટીમ માટે આ મેચ પહેલા ઈજાની સમસ્યાઓએ ચિંતા વધારી છે. ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી ઘૂંટણની ઇજાને કારણે બાકીની મેચમાંથી બહાર થઈ ગયો છે. આ ઉપરાંત, ઝડપી બોલર અર્શદીપ સિંહ પણ ઇજાગ્રસ્ત છે અને ચોથી ટેસ્ટમાં રમશે નહીં. તેના સ્થાને અંશુલ કંબોજને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સારા સમાચાર એ છે કે ઝડપી બોલર જસપ્રીત બુમરાહની વાપસીની શક્યતા છે,.