23, જુલાઈ 2025
નવી દિલ્હી |
3069 |
સરકારે 23 ઓગસ્ટ સુધી પ્રતિબંધ લંબાવ્યો
પાકિસ્તાનના વિમાનોની ભારત એર સ્પેસમાં એન્ટ્રી પર પ્રતિબંધ લગાવનારી નોટિસ ટૂ એરમેન (NOTAM)ની મુદ્દત સત્તાવાર રીતે 23 ઓગસ્ટ સુધી વધારવામાં આવી છે. પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિમાનોની ભારતના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદ્યો હતો. તેમજ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર મારફત પાકિસ્તાન અને POKમાં સ્થિત આતંકી ઠેકાણાં પર આક્રમક હુમલા કર્યા હતાં. ત્યારબાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી એર સ્પેસમાં પ્રતિબંધની સમય મર્યાદા લંબાવવાની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાની વિમાનોની ભારતીય એર સ્પેસમાં એન્ટ્રી પર પ્રતિબંધ લગાવનારી નોટિસ ટૂ એરમેન (NOTAM)ને સત્તાવાર 23 ઓગસ્ટ, 2025 સુધી લંબાવવામાં આવી છે.
ભારત તરફથી આ કાર્યવાહી પાકિસ્તાન દ્વારા પોતાના હવાઈ ક્ષેત્રમાંથી ભારતીય ફ્લાઈટ પર પ્રતિબંધના પગલે હાથ ધરવામાં આવી છે. પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટીએ ગત સપ્તાહે જાહેરાત કરી હતી કે, પાકિસ્તાને ભારતીય એરલાઈન્સ દ્વારા સંચાલિત ફ્લાઈટ્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર 23 ઓગસ્ટ સુધી બંધ રાખવા નિર્ણય લીધો છે.. બીજી તરફ ભારતીય વાયુ સેનાએ 23-25 જુલાઈના રોજ ભારત-પાકિસ્તાન બોર્ડર પર રાજસ્થાનમાં હવાઈ અભ્યાસ માટે નોટમ જાહેર કરી છે.