04, ઓગ્સ્ટ 2025
મુંબઈ |
5841 |
અનિલ અંબાણીની આગેવાની હેઠળના રિલાયન્સ ગ્રુપની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ₹૧૭,૦૦૦ કરોડના કથિત બેંક લોન કૌભાંડની તપાસના ભાગરૂપે ૧૨-૧૩ બેંકોને પત્ર લખીને વિગતો માંગી છે. આ બેંકોમાં SBI, એક્સિસ બેંક, ICICI બેંક, HDFC બેંક, UCO બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંક જેવી જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોનો સમાવેશ થાય છે. EDએ આ કંપનીઓને આપવામાં આવેલી લોન, લોન ડિફોલ્ટની પ્રક્રિયા અને વસૂલાતની કાર્યવાહી અંગેની માહિતીની માંગ કરી છે.
બેંક અધિકારીઓની પૂછપરછની શક્યતા
સૂત્રોના જણાવ્યા અનુસાર, જો EDને બેંકોના જવાબો સંતોષકારક નહીં લાગે તો બેંક અધિકારીઓને સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. મોટાભાગની લોન નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA)માં ફેરવાઈ ગઈ છે. આ કૌભાંડમાં કુલ ₹૧૭,૦૦૦ કરોડની લોનનો સમાવેશ થાય છે, જેમાં રિલાયન્સ હાઉસિંગ ફાઇનાન્સ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ પર ₹૧૨,૫૩૪ કરોડ અને રિલાયન્સ કોમ્યુનિકેશન પર બાકી ₹૪,૦૦૦ કરોડનો સમાવેશ થાય છે.
અનિલ અંબાણીને EDનું સમન્સ અને LOC જારી
આ મામલે ED એ રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીને ૫ ઓગસ્ટના રોજ પૂછપરછ માટે દિલ્હી મુખ્યાલયમાં હાજર રહેવા સમન્સ પાઠવ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, તેમની સામે વિદેશ પ્રવાસ અટકાવવા માટે લુકઆઉટ સર્ક્યુલર (LOC) પણ જારી કરવામાં આવ્યું છે. અંબાણી હાજર થાય ત્યારે મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ હેઠળ તેમનું નિવેદન નોંધવામાં આવશે. આ કેસમાં ગ્રુપના અન્ય કેટલાક અધિકારીઓને પણ આગામી દિવસોમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.
થોડા દિવસો પહેલા, ED એ ₹૧૭,૦૦૦ કરોડથી વધુના ભંડોળને અન્ય હેતુઓ માટે વાળવાના આરોપોની તપાસ માટે અનિલ અંબાણીના વ્યવસાયિક જૂથ સાથે સંકળાયેલા ૫૦ કંપનીઓ અને ૨૫ લોકોના ૩૫ પરિસરો પર ત્રણ દિવસ સુધી દરોડા પાડ્યા હતા.