01, ઓગ્સ્ટ 2025
મુંબઈ |
6237 |
મહારાષ્ટ્રના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં ગુરુવારે NIA કોર્ટે ૧૭ વર્ષની લાંબી રાહ જોયા બાદ તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. આ નિર્દોષ જાહેર કરાયેલા આરોપીઓમાં સમીર કુલકર્ણી પણ સામેલ છે. ચુકાદા દરમિયાન, કોર્ટરૂમમાં એક રસપ્રદ ઘટના બની, જ્યારે સમીર કુલકર્ણીએ કોર્ટના જજને તેમના ૭૫૦ રૂપિયા પરત કરવાની માંગ કરી.
સમીર કુલકર્ણીનો કોર્ટમાં આક્ષેપ
સમીર કુલકર્ણીએ જજને કહ્યું કે ધરપકડ દરમિયાન તેમના ૯૦૦ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા, પરંતુ કાગળ પર ફક્ત ૭૫૦ રૂપિયા જ બતાવવામાં આવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે ATS (એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ) એ તેમના ૧૫૦ રૂપિયા ચોરી લીધા હતા. તેમણે કહ્યું, "૧૫૦ રૂપિયા છોડી દો, ઓછામાં ઓછા મારા ૭૫૦ રૂપિયા પરત કરો."
જોકે, ન્યાયાધીશે કહ્યું કે તેમણે પહેલાથી જ આદેશ આપ્યો છે કે 'કેસ પ્રોપર્ટી' માંથી કોઈ પણ વસ્તુ આગામી આદેશ સુધી પરત કરવામાં આવશે નહીં. એટલે કે, જપ્ત કરાયેલી વસ્તુઓ આગામી આદેશ સુધી પુરાવાનો ભાગ રહેશે. સમીર કુલકર્ણી નિર્દોષ જાહેર થયા હોવા છતાં, તેમને તેમના ૭૫૦ રૂપિયા મેળવવા માટે રાહ જોવી પડશે.
'ભારત માતા કી જય' ના નારા લગાવવાની માંગ
સમીર કુલકર્ણીએ જજ પાસેથી તેમના ૭૫૦ રૂપિયા પરત કરવાની માંગ સાથે ૩ સેકન્ડનો સમય પણ માંગ્યો હતો, જેથી તેઓ કોર્ટમાં 'ભારત માતા કી જય' જેવા નારા લગાવી શકે. જોકે, કોર્ટે તેને નારા લગાવવાની મંજૂરી આપી ન હતી અને કહ્યું હતું કે કોર્ટના શિષ્ટાચારમાં આવા નારા લગાવવાની મંજૂરી આપી શકાય નહીં.
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, કર્નલ પુરોહિત અને સમીર કુલકર્ણી સહિત તમામ સાત આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.