03, ઓગ્સ્ટ 2025
નવી દિલ્હી |
5148 |
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 'ભારતીય માલ ખરીદો અને વેચો' તેવી જે અપીલ કરી છે, તેને દેશના વેપારીઓએ ઉમળકાભેર વધાવી લીધી છે. વેપારીઓના સંગઠન, કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAT) એ જાહેરાત કરી છે કે, 10 ઓગસ્ટથી સ્વદેશી ઉત્પાદનોને પ્રાધાન્ય આપવા માટે એક દેશવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવશે. આ નિર્ણય નવી દિલ્હીમાં આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય વેપારી સંમેલનમાં લેવામાં આવ્યો હતો, જેમાં દેશના 26 રાજ્યોના 150થી વધુ ઉદ્યોગપતિઓ અને વેપારી નેતાઓએ ભાગ લીધો હતો.
આ અભિયાનને 'ભારતીય માલ - આપણું આત્મસન્માન' નામ આપવામાં આવ્યું છે. CAT ના રાષ્ટ્રીય મહાસચિવ અને દિલ્હીના ચાંદની ચોકના સાંસદ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીનું આ આહ્વાન આત્મનિર્ભર ભારતની ભાવનાને મજબૂત બનાવે છે અને ભારતની ઓળખનું પ્રતીક છે. જો આપણે વિદેશી કંપનીઓની એકાધિકારવાદી નીતિઓને ટાળીને આપણા દેશના ઉત્પાદનોને પ્રોત્સાહન આપીએ, તો તેનાથી માત્ર વેપાર જ નહીં, પરંતુ ભારતનું અર્થતંત્ર અને રોજગારી પણ મજબૂત બનશે.
CAT ના રાષ્ટ્રીય પ્રમુખ બીસી ભરતિયાએ આ અભિયાનની રૂપરેખા સમજાવતા કહ્યું કે, આ ઝુંબેશ દેશભરમાં ફેલાયેલા 48,000 થી વધુ વેપારી સંગઠનોની ભાગીદારીથી ચલાવવામાં આવશે. દરેક રાજ્ય અને જિલ્લામાં વેપારીઓ, ગ્રાહકો અને નાગરિક સમાજ સાથે સંમેલનો અને પરિષદોનું આયોજન કરવામાં આવશે. આ અભિયાનમાં સોશિયલ મીડિયા, પોસ્ટરો, રેલીઓ અને જાહેર સંવાદના માધ્યમથી લોકોને ભારતીય ઉત્પાદનો અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવશે. શાળાઓ, કોલેજો, વેપાર બોર્ડ, એનજીઓ અને સમાજના દરેક વર્ગને પણ આ પહેલમાં જોડવામાં આવશે.
ખંડેલવાલે વધુમાં જણાવ્યું કે, આજે ભારતીય ઉત્પાદનોની ગુણવત્તા વિશ્વ કક્ષાની છે અને કિંમત પણ વાજબી છે. ભારતીય માલ ખરીદવાથી સ્થાનિક કારીગરો, ઉદ્યોગસાહસિકો અને વેપારીઓને સીધો ટેકો મળશે. આનાથી વિદેશી માલના આડેધડ વપરાશને કારણે વધતી ભારતની વેપાર ખાધને પણ નિયંત્રિત કરી શકાશે. આ અભિયાન ભારતીય સંસ્કૃતિ, કુટિર ઉદ્યોગ અને હસ્તકલાના સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે. CAT એ તમામ વેપારીઓને તેમના સ્થળો પર 'ફક્ત ભારતીય માલ ઉપલબ્ધ છે' જેવા પોસ્ટરો લગાવવા અને ગ્રાહકોને સ્વદેશી ઉત્પાદનો અપનાવવા માટે પ્રેરણા આપવા હાકલ કરી છે.