અમેરિકાનો રશિયા સાથેનો વેપાર 2.1 અબજ ડોલર : પાંચ મહિનામાં 23 ટકાનો વધારો
06, ઓગ્સ્ટ 2025 નવી દિલ્હી   |   1980   |  

યુરોપના દેશોએ રશિયા પર પ્રતિબંધ મૂકવા છતાં 2024માં 16.5 મિલિયન ટન એલએનજીની આયાત કરી હતી

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બદલ ભારતને દંડ સ્વરુપે જંગી ટેરિફની ધમકી આપ્યા પછી ભારતે દુનિયા સમક્ષ અમેરિકા અને યુરોપીયન યુનિયનની પોલી ખોલી નાંખી છે. વિદેશ મંત્રાલયે દાવો કર્યો કે, રશિયા સાથે ભારતના વેપારનો વિરોધ કરનાર અમેરિકાએ પોતે જ ૨૦૨૫ના પહેલા પાંચ મહિનામાં રશિયા સાથે વેપાર ૨૩ ટકા વધારી ૨.૧ અબજ ડોલર કર્યો હતો.

વિદેશ મંત્રાલયે સીધા જ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે ટ્રમ્પ એક તરફથી રશિયન તેલ ખરીદવા માટે ભારતીય જંગી ટેરિફની વાત કરે છે. પરંતુ અમેરિકા જ રશિયા પાસેથી તેના પરમાણુ આધારિત ઉદ્યોગો માટે રશિયા પાસેથી યુરેનિયમ, હેકઝાફલોરાઈડ, ઇલેક્ટ્રિક વ્હીકલ સેક્ટર માટે પેલેડીયમ, તેમજ ફર્ટિલાઇઝર્સ અને કેમિકલ્સ ખરીદે છે. વિદેશ મંત્રાલયે અમેરિકા અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપાર પર પ્રકાશ પાડતા જ બંને દેશના સંબંધો સામે આવી ગયા છે. કેટલાક અહેવાલો મુજબ અમેરિકાએ જાન્યુઆરીથી મે ૨૦૨૫માં રશિયા સાથે વેપાર વધાર્યો છે. અમેરિકન આંતરરાષ્ટ્રીય વેપાર કમિશનના આંકડા મુજબ વર્ષ ૨૦૨૪માં રશિયન માલની અમેરિકામાં આયાત ચાલુ રહી હતી, જેમાં ખાતર ૧.૧ અબજ ડોલર, પલ્લેડિયમ ૮૭૮ મિલિયન ડોલર, યુરેનિયમ ૬૨૪ મિલિયન ડોલર અને એરક્રાફ્ટ એન્જિન પાર્ટ્સ ૭૫ અબજ ડોલરનો સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, અમેરિકા અને યુરોપીય યુનિયન અકારણ ભારતને નિશાન બનાવે છે. વાસ્તવમાં ભારત તો યુક્રેન યુદ્ધ શરૂ થયું તે પહેલાંથી રશિયા પાસેથી ક્રૂડ ખરીદીતું રહ્યું છે.

વધુમાં યુરોપના દેશોએ યુક્રેન યુદ્ધ બદલ રશિયા પર પ્રતિબંધો મૂકવાની સાથે વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૫માં ભારત, ચીન અને તૂર્કી જેવા દેશો મારફત રશિયા સાથે પરોક્ષ વેપાર વધાર્યો હતો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution