05, ઓગ્સ્ટ 2025
નવી દિલ્હી |
5346 |
RBIની મંજૂરી બાદ બેંકના શેર ૬ ટકા ઉછાળો આવ્યો
ઇન્ડસઇન્ડ બેંકને આખરે તેના નવા નેતા મળી ગયા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ રાજીવ આનંદને બેંકના નવા મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપી છે. આ સમાચાર બાદ મંગળવારે ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં ૬ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો, જે રોકાણકારોનો વધેલો વિશ્વાસ દર્શાવે છે.
રાજીવ આનંદની નિમણૂક અને અનુભવ
રાજીવ આનંદ બેંકિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી વધુનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ અગાઉ એક્સિસ બેંકમાં ડેપ્યુટી એમડી તરીકે કાર્યરત હતા. ઇન્ડસઇન્ડ બેંકે જણાવ્યું છે કે તેમની નિમણૂક ૨૫ ઓગસ્ટ, ૨૦૨૫થી શરૂ થશે અને આગામી ત્રણ વર્ષ એટલે કે ૨૪ ઓગસ્ટ, ૨૦૨૮ સુધી ચાલશે. જોકે, આ નિર્ણય પર અંતિમ મહોર બેંકની આગામી સામાન્ય સભામાં શેરધારકોની મંજૂરી બાદ લાગશે.
રોકાણકારોનો વિશ્વાસ પાછો ફર્યો
તાજેતરમાં બેંકમાં ૨૦૦૦ કરોડ રૂપિયાની એકાઉન્ટિંગ ભૂલ અને માઇક્રોફાઇનાન્સ પોર્ટફોલિયોની સમસ્યાઓને કારણે બેંકની પ્રતિષ્ઠાને નુકસાન થયું હતું. રોકાણકારોને એવી ચિંતા હતી કે બેંકના ટોચના પદ પર જાહેર ક્ષેત્રના કોઈ વ્યક્તિને લાવવામાં આવશે, પરંતુ રાજીવ આનંદની ખાનગી ક્ષેત્રમાંથી નિમણૂક થવાથી બજારમાં સકારાત્મક માહોલ સર્જાયો. નિષ્ણાતો માને છે કે તેમના અનુભવ અને વૈશ્વિક સમજથી બેંકમાં સ્થિરતા અને વિશ્વાસ ફરીથી સ્થાપિત થશે.
બેંકને નવા નેતૃત્વની જરૂર કેમ પડી?
ઇન્ડસઇન્ડ બેંકે જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૫ ક્વાર્ટરમાં ₹ ૨,૩૨૮ કરોડનું મોટું નુકસાન નોંધાવ્યું હતું, જેનું મુખ્ય કારણ ઉપર જણાવેલ સમસ્યાઓ હતી. આના કારણે બેંકની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા થયા હતા. ચેરમેન સુનિલ મહેતાએ પહેલેથી જ કહ્યું હતું કે બેંક એવા નેતાની શોધમાં છે જે નેતૃત્વને મજબૂત કરી શકે અને ભવિષ્યમાં આવી ભૂલોનું પુનરાવર્તન થતું અટકાવે. બોર્ડ અને RBIના સમર્થન સાથે, રાજીવ આનંદની નિમણૂકને આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવે છે.