05, ઓગ્સ્ટ 2025
નવી દિલ્હી |
5346 |
નવા ઓર્ડર અને વૈશ્વિક વેચાણમાં વધારો : HSBC PMI રિપોર્ટ
જુલાઈ મહિનામાં ભારતના સેવા ક્ષેત્રે મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. વૈશ્વિક માંગમાં વધારો, નવા ઓર્ડર અને આંતરરાષ્ટ્રીય વેચાણમાં વૃદ્ધિને કારણે સેવા ક્ષેત્રનો વિકાસ ગતિમાન રહ્યો છે. HSBC દ્વારા જાહેર કરવામાં આવેલા એક તાજેતરના ખાનગી સર્વેક્ષણમાં આ આંકડા સામે આવ્યા છે, જે ભારતીય અર્થતંત્ર માટે સકારાત્મક સંકેત છે.
જુલાઈમાં PMI ઇન્ડેક્સ ૬૦.૫ પર પહોંચ્યો
HSBC ઇન્ડિયાના સર્વિસીસ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) નો આંક જુલાઈમાં ૬૦.૫ નોંધાયો છે, જે જૂનના ૬૦.૪ના આંકડા કરતાં સહેજ વધારે છે. ઓગસ્ટ ૨૦૨૪ પછી આ સૌથી મજબૂત વૃદ્ધિનું સ્તર છે. PMI ઇન્ડેક્સમાં ૫૦થી ઉપરનો આંકડો વૃદ્ધિ દર્શાવે છે, જ્યારે ૫૦થી નીચેનો આંકડો ઘટાડો સૂચવે છે.
નવા નિકાસ ઓર્ડરથી મળી વેગ
HSBCના ચીફ ઇન્ડિયા ઇકોનોમિસ્ટ પ્રાંજુલ ભંડારીએ જણાવ્યું કે, સેવા ક્ષેત્રમાં જોવા મળતી આ મજબૂતીનું મુખ્ય કારણ નવા નિકાસ ઓર્ડર છે. તેમણે કહ્યું કે ભવિષ્ય માટે વ્યવસાયિક આશાવાદ હકારાત્મક છે, જોકે તે ૨૦૨૫ના પહેલા ભાગ કરતાં થોડો નબળો છે. તેમણે એ પણ ઉમેર્યું કે ઇનપુટ અને આઉટપુટ ખર્ચમાં વધારો થયો છે, પરંતુ આગામી સમયમાં રાહત મળવાની સંભાવના છે, જે તાજેતરના CPI અને WPI ડેટામાં પણ જોવા મળ્યું છે.
નાણાકીય ક્ષેત્રે કર્યું શ્રેષ્ઠ પ્રદર્શન
રિપોર્ટ અનુસાર, નાણાકીય અને વીમા ક્ષેત્રે નવા ઓર્ડર અને વ્યવસાયિક પ્રવૃત્તિ બંનેના સંદર્ભમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. બીજી તરફ, રિયલ એસ્ટેટ અને વ્યાવસાયિક સેવાઓના ક્ષેત્રમાં વૃદ્ધિની ગતિ સૌથી ધીમી રહી. HSBCના સર્વેમાં બહાર આવ્યું છે કે ભારતીય કંપનીઓને એશિયા, કેનેડા, યુરોપ, યુએઈ અને અમેરિકા જેવા દેશોમાંથી નવા વૈશ્વિક ઓર્ડર મળ્યા છે.
વ્યવસાયિક આત્મવિશ્વાસમાં વધારો
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીઓનો આત્મવિશ્વાસ વધવાનું કારણ એ છે કે તેઓ માર્કેટિંગ, ટેકનોલોજી અપગ્રેડેશન અને ઓનલાઈન હાજરી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. નવી માંગ, જાહેરાતો અને નવા ગ્રાહકોના પ્રવેશથી પણ ઓર્ડર બુક મજબૂત થઈ છે, જે ભવિષ્ય માટે સકારાત્મક સંકેત છે.