14, ઓગ્સ્ટ 2025
વડોદરા |
2574 |
કોઈ કર્મચારી ઉપસ્થિત નહી હોંવાથી સ્વજનોએ અંતિમક્રિયા માટે લાકડા ગોઠવ્યાં!
ખાસવાડી સ્મશાન ગૃહમાં આજે ફરી અવ્યવસ્થા સર્જાઈ હતી. સ્મશાનમાં સવારના સમયે કોઈ કર્મચારીઓ હાજર નહી હોંવાથી સ્વજનોને અંતિમ ક્રિયા માટે પોતે લાકડા ગોઠવવા પડ્યાં હતા. અંતીમવીધી માટે આવેલા સ્વજને કહ્યું હતુ કે, સુવિઘા પૂરતા પ્રમાણમાં નથી.
વડોદરાના વિવિધ વિસ્તારોમાં આવેલા પાલિકા હસ્તકના સ્મશાનગૃહોના ખાનગીકરણ બાદ સતત વિવાદ સર્જાઈ રહ્યો છે. તાજેતરમાં મ્યુનિ. કમિશનરે વર્ષોથી વિવિધ સ્મશાનોમાં સેવા આપતી સંસ્થાઓના પ્રતિનિધિઓની સાથે ચર્ચા કરીને તમામના સહયોગથી સ્મશાનોમાં સારી વ્યવસ્થા અને સુવિધા આપવાની બાહેધરી આપી હતી. જોકે, આજે ખાસવાડી સ્મશાનમાં ફરી અવ્યવસ્થા સર્જાઈ હતી. સવારના સમયે સ્મશાનમાં કર્મચારી ઉપસ્થિત નહી હોંવાથી અંતીમવીઘી માટે આવેલા સ્વજનોને જાતે ચીતા પર લાકડા, છાણા લાવીને ગોઠવવા પડ્યાં હતા. સ્વજનોએ કહ્યું હતુ કે, કર્મચારીઓ હાજર નથી. લાકડા નાના અને ભીના છે. સુવિધા પૂરતા પ્રમાણમાં નથી. બધુ કામ જાતે કરવું પડે છે.
જોકે, આ અંગે ઈજારદારે કહ્યું હતુ કે, કર્મચારીઓ ઉપસ્થિત છે. પરંતુ ચા પીવા માટે બહાર ગયા હતા. નજિકની લારી બંધ હોવાથી નાકે ગયા હતા. પરંતુ તમામ ચા પીને આવી ગયા છે.