19, ઓગ્સ્ટ 2025
મુંબઈ |
3564 |
‘આક્રોશ, લગે રહો મુન્ના ભાઈ’, 3 ઇડિયટ્સ’, ‘દબંગ 2, પરિંદા,વાસ્તવ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતુ
આમિર ખાનની ફિલ્મ '3 ઈડિયટ્સ'માં પ્રોફેસરનો રોલ કરનાર દિગ્ગજ અભિનેતા અચ્યુત પોતદાર હવે આ દુનિયામાં નથી રહ્યા. 91 વર્ષની વયે અચ્યુત પોતદારનું નિધન થયું છે. સ્વાસ્થ્ય સમસ્યાઓનાં કારણે અચ્યુત પોતદાર ગઈકાલે રાત્રે અચાનક બેભાન થઈ જતાં થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબિયત સતત બગડવાને કારણે તેમને બચાવી શકાયા નહીં. પોતદારના દીકરી અનુરાધા પારસ્કરે જણાવ્યું કે મંગળવારે સાંજે 4 વાગ્યે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
અચ્યુત પોતદારનો જન્મ 22 ઓગસ્ટ, 1934ના રોજ મધ્ય પ્રદેશના જબલપુરમાં થયો હતો. તેઓ એક મરાઠી બ્રાહ્મણ પરિવારના હતા. તેમનું બાળપણ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં વીત્યું હતું. વર્ષ 1961માં તેમણે અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેમણે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. આ લાંબી કારકિર્દીમાં, તેમણે 125થી વધુ બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મો ઉપરાંત, તેમણે 95 ટેલિવિઝન સીરિયલ, 26 નાટકો અને 45 જાહેરાતોમાં પણ કામ કર્યું છે, જેમાં હિન્દી અને મરાઠી બંને ફિલ્મો અને ટીવી શૉનો સમાવેશ થાય છે.
તેમણે પોતાની એક્ટિંગ કારકિર્દી દરમિયાન ઘણી હિટ બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જેમાં ‘આક્રોશ, લગે રહો મુન્ના ભાઈ’, ‘3 ઇડિયટ્સ’, ‘દબંગ 2’, ‘આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યું આતા હૈ’, ‘અર્ધ સત્ય’, ‘પરિંદા’, ‘રાજૂ બન ગયા જેન્ટલમેન’, ‘દિલવાલે’, ‘યે દિલ્લગી’, ‘રંગીલા’, ‘મૃત્યુદંડ’, ‘યશવંત’, ‘ઇશ્ક’, ‘વાસ્તવ’, ‘આ અબ લૌટ ચલેં’, ‘હમ સાથ સાથ હૈં’, ‘તેજાબ’, અને ‘પરિણીતા’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.