19, ઓગ્સ્ટ 2025
નવી દિલ્હી |
5247 |
ભારતમાં ડિજિટલ પેમેન્ટ્સનો એક અભિન્ન ભાગ બની ગયેલા UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) પર હવે કોઈ ચાર્જ લાગશે કે કેમ તે અંગેની ચર્ચાને સરકારે પૂર્ણવિરામ આપ્યો છે. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં સ્પષ્ટતા કરી છે કે, UPI દ્વારા કરવામાં આવતી ચૂકવણી પર કોઈપણ પ્રકારનો ટ્રાન્ઝેક્શન ચાર્જ લાદવાનો હાલ કોઈ પ્રસ્તાવ નથી. આનો અર્થ એ છે કે, તમે દુકાનદારને ચૂકવણી કરો કે કોઈ મિત્રને પૈસા મોકલો, તેના પર કોઈ ફી લેવામાં આવશે નહીં.
આખો મામલો શું છે?
આ અંગેની મૂંઝવણનો પાયો નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા ૩૦ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ બહાર પાડવામાં આવેલા એક પરિપત્રથી થયો હતો. આ પરિપત્રમાં બેંકોને મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) તરીકે ૦.૩૦% સુધીનો ચાર્જ વસૂલવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, સરકારે આ પરિપત્ર બાદ તરત જ સ્પષ્ટતા કરી હતી કે આવકવેરા કાયદા ૧૯૬૧ની કલમ ૨૬૯SU હેઠળ, UPI અને RuPay ડેબિટ કાર્ડ દ્વારા થતા વ્યવહારો પર કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં.
UPIને પ્રોત્સાહન આપવા માટે સરકારી સહાય
UPI ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે, સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ થી ૨૦૨૪-૨૫ સુધી એક પ્રોત્સાહન યોજના પણ ચલાવી છે. આ સમયગાળા દરમિયાન, સરકારે લગભગ ૮,૭૩૦ કરોડ રૂપિયાનું પ્રોત્સાહન આપ્યું છે જેથી UPI સેવાઓ વિના કોઈપણ અવરોધે ચાલુ રહી શકે. આ સહાય દર્શાવે છે કે સરકાર ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.
UPIમાં જબરદસ્ત વૃદ્ધિના આંકડા
છેલ્લા કેટલાક વર્ષોમાં UPI એ ભારતમાં ડિજિટલ ક્રાંતિ લાવી છે. આંકડાઓ અનુસાર ૨૦૧૭-૧૮માં UPI વ્યવહારોની સંખ્યા ૯૨ કરોડ હતી, જે ૨૦૨૪-૨૫માં વધીને ૧૮,૫૮૭ કરોડ થઈ ગઈ છે. આ જ સમયગાળા દરમિયાન, વ્યવહારનું મૂલ્ય ૧.૧૦ લાખ કરોડ રૂપિયાથી વધીને ૨૬૧ લાખ કરોડ રૂપિયા થયું. જુલાઈ ૨૦૨૫માં, એક મહિનામાં ૧,૯૪૬.૭૯ કરોડથી વધુ વ્યવહારો નોંધાયા, જે એક નવો રેકોર્ડ છે.
આ ઉપરાંત, ડિજિટલ ચૂકવણીની કુલ સંખ્યા પણ ૨૦૧૭-૧૮માં ૨,૦૭૧ કરોડથી વધીને ૨૦૨૪-૨૫માં ૨૨,૮૩૧ કરોડ થઈ ગઈ છે. આ સમયગાળામાં, કુલ વ્યવહારનું મૂલ્ય પણ ૧,૯૬૨ લાખ કરોડ રૂપિયાથી વધીને ૩,૫૦૯ લાખ કરોડ રૂપિયા થયું છે. આ આંકડાઓ ભારતીય અર્થતંત્રમાં ડિજિટલ પેમેન્ટ્સના વધતા પ્રભુત્વને દર્શાવે છે.