04, સપ્ટેમ્બર 2025
નવી દિલ્હી |
3168 |
યાદીમાં ઈલોન મસ્ક અને સેમ ઓલ્ટમેન જેવા મોટા નામોનો સમાવેશ
ટાઇમ મેગેઝિન દ્વારા વર્ષ 2025 માટેના AI ક્ષેત્રના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ઈલોન મસ્ક અને સેમ ઓલ્ટમેન જેવા મોટા નામોની સાથે ભારતના IIT મદ્રાસના પ્રોફેસર મિતેશ ખાપરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. મિતેશ ખાપરાને આ સન્માન તેમના નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ અને મશીન લર્નિંગના સંશોધન માટે મળ્યું છે.
શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત મિતેશ ખાપરાએ AI4Bharatની સહ-સ્થાપના કરી છે. આ એવી પહેલ છે જે ભારતીય ભાષાઓમાં AIને વધુ સુલભ બનાવવા માટે ઓપન-સોર્સ ટૂલ્સ અને ડેટાસેટ્સ વિકસાવે છે. ટાઇમ' મેગેઝિન અનુસાર, પ્રાદેશિક ભાષાઓની વૉઇસ ટેક્નોલોજી પર કામ કરતી મોટાભાગની ભારતીય સ્ટાર્ટઅપ્સ તેમની ટીમ દ્વારા તૈયાર કરાયેલા ડેટાસેટ્સનો ઉપયોગ કરે છે.
પ્રોફેસર ખાપરાએ ભારતીય ભાષાઓમાં ટેકનોલોજીના વિકાસ માટે ડેટાની કમીને મુખ્ય અવરોધ તરીકે ઓળખી. આ સમસ્યાના નિવારણ માટે તેમણે AI4Bharat પ્રોજેક્ટનું નેતૃત્વ કર્યું. આ પ્રોજેક્ટ અંતર્ગત, ભારતના 500 જિલ્લાઓમાંથી હજારો કલાકોના વૉઇસ રેકોર્ડિંગ્સ એકત્રિત કરવામાં આવ્યા, જેમાં દેશની તમામ 22 સત્તાવાર ભાષાઓનો સમાવેશ થાય છે.