વડાપ્રધાનના માતાનું અપમાન મામલે NDAનું બિહાર બંધ
04, સપ્ટેમ્બર 2025 પટણાં   |   3465   |  

સમસ્તીપુર, બેગુસરાય, છપરા, હાજીપુરમાં નેશનલ હાઈવે જામ

પટણામાં રસ્તાઓ પર ટાયરો સળગાવાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાનું અપમાન મામલે NDA દ્વારા આજે બિહાર બંધના આપવામાં આવેલા એલાનની અસર પટના, ગયા, મુંગેર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં જોવા મળી રહી છે. સમસ્તીપુર, બેગુસરાય, છપરા, હાજીપુરમાં નેશનલ હાઈવે બ્લોક કરવામાં આવતા વાહનોની લાંબી કતાર લાગી ગઈ છે.ઉપરાંત પટણામાં રસ્તાઓ પર ટાયરો સળગાવવામાં આવતા ચક્કાજામના દ્રષ્યો સર્જાયા હતા.

પટનાના સગુણા મોર ખાતે બિહતામાં ભાજપના નેતાઓએ રસ્તો બ્લોક કરી દીધો હતો. વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલ બસને પણ પાછી વાળવામાં આવી છે. કાર્યકરોએ ડાકબુંગલા ક્રોસિંગને બ્લોક કરી દીધું છે. જ્યારે દરભંગામાં ભાજપાના મહિલા મોરચા દ્વારા ચાર રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જેના કારણે રસ્તાઓ જામ છે. બેગુસરાયમાં બંધને સફળ બનાવવા માટે મંત્રી સુરેન્દ્ર મહેતા જાતે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. રસ્તાઓ અને દુકાનો બંધ રહી હતી.મુંગેરમાં પણ ભાજપના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. બંધને કારણે કોંગ્રેસ અને જેડીયુ કાર્યાલયોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પટનામાં 2000થી વધુ પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનિય છે કે, તા.27 ઓગસ્ટના રોજ, દરભંગામાં વોટર અધિકાર યાત્રા દરમિયાન, રાહુલ-તેજસ્વીના મંચ પરથી પીએમ મોદીના માતાને અપશબ્દો કહેવામાં આવ્યા હતા. ત્યારથી, ભાજપ તેનો વિરોધ કરી રહ્યું છે.અને દેશભરમાં દેખાવો યોજાઈ રહ્યાં છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution