04, સપ્ટેમ્બર 2025
મુંબઈ |
2673 |
સીએમ દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં કેબિનેટ મળેલી બેઠકમાં મહારાષ્ટ્ર સરકારે કાયદામાં સુધારો કર્યો
જોકે, શ્રમિકોની લેખિત સંમતિ ફરજિયાત રહેશે
મહારાષ્ટ્ર કેબિનેટે બુધવારે ખાનગી કંપનીના કર્મચારીઓ માટે મહત્તમ દૈનિક કામના હાલના કલાકો 9 વધારીને 10 કલાક કરવા માટે કાયદામાં સુધારાને મંજૂરી આપી હતી. પ્રાપ્ત વિગતો મુજબ આ પગલું રાજ્યમાં રોકાણોને આકર્ષવા, નવી નોકરીઓનું સર્જન કરવા અને શ્રમિકોના અધિકારોનું રક્ષણ કરવાના હેતુથી લેવામાં આવ્યું છે.
મહારાષ્ટ્ર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય ટાસ્ક ફોર્સ દ્વારા સૂચવવામાં આવેલા ફેરફારોને મંજૂરી આપવામાં આવી હતી.આ ઉપરાંત મહારાષ્ટ્ર હવે કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં જોડાઈ ગયું છે, જ્યાં આ સુધારા પહેલાથી જ લાગુ કરવામાં આવ્યા છે. આ સુધારા ફેક્ટરી એક્ટ 1948 અને મહારાષ્ટ્ર શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ 2017માં કરવામાં આવશે.
શ્રમિક કાયદામાં સુધારાઓ પછી ઉદ્યોગોને શ્રમિકોની વધુ માંગ અથવા અછત દરમિયાન વિક્ષેપ વિના કામ કરવાની મંજૂરી આપવામાં આવશે, જ્યારે શ્રમિકોને ઓવરટાઇમ માટે યોગ્ય વળતર મળે તે પણ સુનિશ્ચિત કરવામાં આવશે. આ અંતર્ગત ઉદ્યોગોમાં દૈનિક કામના કલાકોની મર્યાદા નવથી વધારીને 12 કલાક કરવામાં આવશે. પાંચ કલાકને બદલે છ કલાક પછી આરામનો સમય આપવામાં આવશે. કાનૂની ઓવરટાઇમ મર્યાદા 115 કલાકથી વધારીને 144 કલાક પ્રતિ ક્વાર્ટર કરવામાં આવશે અને આ માટે શ્રમિકોની લેખિત સંમતિ ફરજિયાત રહેશે. સાપ્તાહિક કામના કલાકો પણ સાડા દસ કલાકથી વધારીને 12 કલાક કરવામાં આવશે.. આ ફેરફારો 20 કે તેથી વધુ શ્રમિકોને રોજગારી આપતી સંસ્થાઓને લાગુ પડશે.