02, સપ્ટેમ્બર 2025
અમદાવાદ |
9801 |
ટેક્સટાઇલ અને એપરલ્સની કેટેગરીમાં આવતા હોવાથી તેના પર પણ આ ટેરિફનું જોખમ
ટેરિફને કારણે નિકાસમાં 50% જેટલો ઘટાડો થવાની શક્યતા
ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી કરવાના કારણે અમેરિકાએ ભારત પર 50%નો ટેરિફ લાદ્યો છે, જેની સીધી અસર નવરાત્રિના ચણિયાચોળીના નિકાસ પર પણ પડી રહી છે. વિશ્વના સૌથી લાંબા ડાન્સ ફેસ્ટિવલ, નવરાત્રિમાં ઉપયોગમાં લેવાતા ચણિયાચોળી અને હેન્ડીક્રાફ્ટ આઇટમ્સ ટેક્સટાઇલ અને એપરલ્સની કેટેગરીમાં આવતા હોવાથી તેના પર પણ આ ટેરિફનું જોખમ ઊભું થયું છે.અમેરિકન ટેરિફનું આ જોખમ ગુજરાતના સ્થાનિક ચણિયાચોળી અને હેન્ડીક્રાફ્ટના વેપારીઓ માટે ચિંતાનો વિષય બન્યું છે. આ છે. એક બાજુ, કારીગરો આખું વર્ષ આ ઉત્પાદનોની તૈયારી કરતા હોય છે, ત્યારે આ ટેરિફના કારણે વેપારીઓ અને કારીગરોમાં નિરાશા વ્યાપી છે.આ અંગે વાત કરતા એક જાણીતા હેન્ડલૂમ વિક્રેતાએ જણાવ્યું હતું કે, "ચણિયાચોળીના વ્યવસાય સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના હજારો પરિવારો સીધા સંકળાયેલા છે. ચણિયાચોળીની સાથે બીડ વર્ક, એપ્લિક વર્ક, હેન્ડ એમ્બ્રોઈડરી અને મશીન એમ્બ્રોઈડરીનું કામ કરતા કારીગરોને પણ તેની સીધી અસર થઈ રહી છે. જો આ પરિસ્થિતિ જળવાઈ રહી તો ટેક્સટાઇલ પ્રોડક્ટની નિકાસમાં 60 થી 70% જેટલો ઘટાડો જોવા મળી શકે છે."
આર્થિક રીતે રાહત મેળવવા માટે ભારતના નિકાસકારો દ્વારા સરકાર પાસે 10% સબસિડીની માંગણી કરવામાં આવી છે. આ સબસિડીથી નિકાસકારોને થોડી રાહત મળી શકે છે અને આ વ્યવસાય ટકી રહેવામાં મદદ મળી શકે છે.ઉલ્લેખનીય છે કે, ભારતના હેન્ડલૂમ ઉત્પાદનો જેમ કે ગાલીચા, શાલ અને ચાદરની યુ.એસ.માં અંદાજિત નિકાસ આશરે ₹4200 કરોડની છે. જ્યારે હસ્તકલા કે હેન્ડીક્રાફ્ટની નિકાસમાં યુ.એસ. ભારતની હસ્તકલાનો 38% હિસ્સો ધરાવે છે, જેનું મૂલ્ય 2022-23માં ₹9576-23,860 કરોડ હતું. 27 ઓગસ્ટ, 2025થી લાગુ થયેલા 50% ટેરિફ બાદ આ વર્ષના અંતે નિકાસના આંકડામાં વધુ ઘટાડો થવાની શક્યતા છે.ગુજરાત (ખાસ કરીને સુરત અને અમદાવાદ) ટેક્સટાઇલ અને હસ્તકલામાં યુ.એસ.ને આશરે ₹29,400 કરોડના ઉત્પાદનોની નિકાસ કરે છે, જેમાં ચણિયાચોળી અને વિવિધ હસ્તકલાનું આગવું સ્થાન છે. નિષ્ણાતોનું માનવું છે કે, આ ટેરિફથી ગુજરાતની નિકાસમાં 50-70% જેટલો ઘટાડો થઈ શકે છે.ગુજરાતમાં વિવિધ 52 પ્રકારના હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના કારીગરો છે, જેમની આવક સીધી રીતે આ નિકાસ સાથે જોડાયેલી છે. જોકે, ભારતનું સ્થાનિક બજાર પણ મજબૂત હોવાથી લાંબા ગાળે આ અસરને ઘટાડી શકાય છે, પરંતુ હાલના તબક્કે અમેરિકન નિકાસકારો અને કારીગરો માટે આ એક મોટો પડકાર છે.