04, સપ્ટેમ્બર 2025
નવી દિલ્હી |
2673 |
દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓ, ઈલેક્ટ્રોનિક ઉપકરણો પર પણ ટેક્સ ઘટાડો કરાયો
જીએસટી કાઉન્સિલે બુધવારે યોજાયેલી બેઠકમાં મોટા નિર્ણય લીધા છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, 12% અને 28% જીએસટીનો સ્લેબ રદ્દ કરીને હવે 5% અને 18% એમ માત્ર બે GST સ્લેબ જ લાગુ થશે. અને તેમાં સામેલ વસ્તુઓ મંજૂર કરાયેલા બે ટેક્સ સ્લેબની અંદર જ ગણાશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી અનેક વસ્તુઓ સસ્તી થઇ જશે. જો કે, લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ માટે 40% ના સ્પેશિયલ સ્લેબને પણ કાઉન્સિલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ નવા GST દર 22 સપ્ટેમ્બરથી લાગુ થવાની શક્યતા છે. ત્યારે જાણીએ કે કઇ વસ્તુઓ સસ્તી થશે અને કઇ વસ્તુઓ મોંઘી થશે.
દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓમાં હેયર ઓઇલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, સાબુ, ટૂથબ્રશ, શેવિંગ ક્રીમ 18% થી 5%, માખણ, ઘી, ચીઝ અને અન્ય ડેરી ઉત્પાદનો 12% થી 5%, પ્રી-પેકેજ્ડ નમકીન અને ચવાણું 12% થી 5%, વાસણો 12% થી 5% ,ફીડિંગ બોટલ, બાળકોના નેપકિન્સ અને ડાયપર 12% થી 5%, સીવણ મશીન અને તેના ભાગો 12% થી 5% થશે. આ ઉપરાંત આરોગ્ય ક્ષેત્રે રાહત આપવામાં આવી છે. હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ 18% થી શૂન્ય જ્યારે થર્મોમીટર 18% થી 5%, મેડિકલ ગ્રેડ ઓક્સિજન 12% થી 5%, ગ્લુકોમીટર અને ટેસ્ટ સ્ટ્રીપ્સ 12% થી 5%, ચશ્મા 12% થી 5% કરવામાં આવ્યો છે.
ઉપરાંત સ્ટેશનરી વસ્તુઓ ટેક્સ ફ્રી કરવામાં આવી છે. સાથે ખેડૂતોને પણ રાહત આપવામાં આવી છે જેમાં ટ્રેક્ટર 12% થી 5%, ટ્રેક્ટર ટાયર અને ભાગો 18% થી 5%, જંતુનાશકો અને સૂક્ષ્મ પોષકતત્ત્વો 12% થી 5%, જમીન ખેડવા, લણણી અને થ્રેશિંગ માટેના મશીનો 12% થી 5% કરવામાં આવ્યા છે. જ્યારે પેટ્રોલ, LPG અને CNG કાર (1200 CC અને 4000 MM સુધીના) 28% થી 18%, ડીઝલ કાર (1500 CC અને 4000 MM સુધીના) 28% થી 18%, થ્રી-વ્હીલર વાહનો 28% થી 18%, 350 CC સુધીના બાઇક 28% થી 18%, માલ પરિવહન માટેના વાહનો 28% થી 18%
ઈલેક્ટ્રોનિક ઉપકરણો પર પણ ટેક્સ ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં એર કંડિશનર,32 ઇંચથી મોટા ટીવી ,મોનિટર અને પ્રોજેક્ટર, ડીશ વોશિંગ મશીન પર જીએસટી 28% થી 18% કરવામાં આવ્યો છે.
જોકે, લક્ઝરી વસ્તુઓ, લકઝરી કાર-બાઇક, તંબાકુ ઉત્પાદન, સિગારેટ, ફાસ્ટફૂડ અને કોલ્ડ ડ્રીંક્સને 40%ના સ્પેશિયલ સ્લેબ હેઠળ GST વસૂલવામાં આવશે.