16, સપ્ટેમ્બર 2025
વડોદરા |
2475 |
સીસીટીવી કેમેરા,ઇમરજન્સી એક્ઝિટ સહિતની વ્યવસ્થા રાખવા તાકિદ
સસ્કારી અને ઉત્સવપ્રિય નગરી વડોદરામાં નવરાત્રી મહોત્સવની ભક્તીભાવ પૂર્વક અને ધામધૂમથી કરવામાં આવે છે. ત્યારે ગરબા દરમિયાન ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાથી ગરબા આયોજકોને પાર્કિંગ સહિતની વ્યવસ્થા રાખવા ઉપરાંત સુરક્ષાની વ્યવસ્થાની પણ જવાબદારી આયોજકોએ રાખવી પડશે.
વડોદરામાં યોજાનારા નવરાત્રી મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુથી પોલીસ કમિશનરે મોટા ગરબા આયોજકો સાથે મીટિંગ યોજી હતી.જેમાં મુખ્યત્વે સુરક્ષા વ્યવસ્થા પર તેમજ ટ્રાફિક સંદર્ભે ભાર મુકવામાં આવ્યો હતો.આ મીટિંગમાં આરએન્ડબી, એમજીવીસીએલ,કોર્પોરેશન,ફાયર બ્રિગેડ અને કલેક્ટર કચેરીના અધિકારીઓ પણ હતા.
ગરબાના સ્થળોની આસપાસ અનેક સ્થલે થતાં આડેધડ પાર્કિંગ તેમજ અવ્યવસ્થાને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોવાથી ગરબાના આયોજકોએ ટ્રાફિક મેનેજમેન્ટ રાખવાની તેમજ સ્વયં સેવકોની ટીમોને મુકવા સુચના આપવામાં આવી છે.પોલીસ તો વ્યવસ્થા સંભાળશે પરંતુ આયોજકો દ્વારા પણ સિક્યોરીટી સહિતની ટીમ ગોઠવવા જણાવ્યું છે.
ઉપરાંત ગરબા રમવા આવતા ખેલૈયાઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા રાખવા સૂચના આપવામાં આવી છે. જ્યારે, ગરબા ગ્રાઉન્ડ પર કોઇ પણ અનિચ્છનિય બનાવ ના બને અને ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ,ફાયર બ્રિગેડના વાહનોની અવરજવર થઇ શકે તેવી વ્યવસ્થા રાખવા તેમજ ઈમરજન્સી એક્ઝિટ ગેટ સહિતની પણ સૂચના આપવામાં આવી હતી. હવે પછી દરેક ગરબા ગ્રાઉન્ડ પર એસીપી,પીઆઇ સહિતની ટીમો મુલાકાત લઇને આયોજકોની સાથે બેઠક કરીને જરૃરી ચર્ચા તેમજ વ્યવસ્થા અંગેની સુચના આપશે તેમ જાણવા મળે છે.