16, સપ્ટેમ્બર 2025
સિમલા |
990 |
મંડીમાં વાદળ ફાટતાં તારાજી, વરસાદ અને વાવાઝોડાથી જનજીવન પ્રભાવિત
હિમાચલ પ્રદેશમાં ફરી ભારે વરસાદે કહેર વર્તાવ્યો છે. સોમવારે મંડીના ધરમપુરમાં વાદળ ફાટવાને કારણે બસ સ્ટેન્ડ પાણીમાં ડૂબી ગયું અને શિમલામાં ભૂસ્ખલનથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
ગઈ રાત્રે હિમાચલના ધરમપુરમાં ભારે વરસાદથી બસ સ્ટેન્ડ પાણીમાં ડૂબી ગયું હતુ. જેમાં બસો અને અન્ય વાહનો તણાઈ ગયા. સોન ખડનું જળસ્તર વધતા લોકોના ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયું. જોકે, ભારે વરસાદ અને પૂરની સ્થિતીના કારણે લોકોએ રાત્રે ઘરની છત પર ચઢીને પોતાનો જીવ બચાવ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે જનજીવન ફરી ખોરવાયુ છે. જેના કારણે 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 493 રસ્તાઓ બંધ કરાયા છે.
હવામાન વિભાગ મુજબ, કાંગડા, જોત, સુંદરનગર અને પાલમપુરમાં ભારે પવન સાથે વરસાદ થયો, જ્યારે રિકાંગપિયો અને સેઓબાગમાં તેજ પવન ફૂંકાયો. રાજ્ય કટોકટી સંચાલન કેન્દ્ર અનુસાર, આ ઘટનાને કારણે 493 રસ્તાઓ, જેમાં ત્રણ મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો સમાવેશ થાય છે, વાહનવ્યવહાર માટે બંધ રહ્યા હતા.