17, સપ્ટેમ્બર 2025
નવી દિલ્હી |
2475 |
રાહુલ ગાંધી, શરદ પવાર સહિત દિગ્ગજોએ પાઠવી શુભકામના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ આજે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે. ભાજપા દ્વારા 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હી સરકાર 75 સેવા પ્રોજેક્ટ્સ પણ શરૂ કરી રહી છે અને મોટા કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. સોશિયલ મીડિયા પર પીએમ મોદીને બર્થ ડે વિશનો વરસાદ વરસી રહ્યો છે. જેમાં ઘણા અગ્રણી રાજકારણીઓએ શુભેચ્છાઓ પાઠવી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાનને ફોન કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે મોદીના નેતૃત્વમાં ભારત વૈશ્વિક આકાંક્ષાઓનું કેન્દ્ર પણ બન્યું છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવથી લઈને દ્વારકામાં સમુદ્રના ઊંડાણ સુધી તેમણે વારસા અને વિજ્ઞાન બંનેને ગૌરવ અપાવ્યું છે. તેમના નેતૃત્વમાં, ભારત આજે અવકાશ ક્ષેત્રમાં નવા માપદંડો સ્થાપિત કરી રહ્યું છે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે યોગ્ય સમયે યોગ્ય નેતા મળ્યા છે. જે આપણા રાષ્ટ્રને સ્પષ્ટતા અને નિશ્ચય સાથે માર્ગદર્શન આપી રહ્યા છે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. હું તેમને સ્વસ્થ અને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવું છું.
NCP (SP) ના નેતા શરદ પવારે નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું તમારા જન્મદિવસ નિમિત્તે, હું મારા હૃદયપૂર્વકના અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. ભગવાન તમને સારું સ્વાસ્થ્ય, ખુશી અને લાંબુ આયુષ્ય આપે.