17, સપ્ટેમ્બર 2025
નવી દિલ્હી |
2178 |
અમેરિકાના દબાણની કોઈ અસર નહીં, હાલ ભારત પર કુલ 50 ટકા ટેરિફ છે
ટેરિફની ચીમકીઓ વચ્ચે છેલ્લા કેટલાક દિવસ થી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત વિરુદ્ધ કેટલાક કડક નિવેદનો આપ્યા છે. ઉપરાંત, રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ લાદવામાં આવ્યો હતો. હાલના સમયમાં ભારત પર કુલ 50 ટકા ટેરિફ છે. જોકે, તેની અસર ભારત પર જોવા મળી નથી.
ભારતે હજુ પણ રશિયા સાથે એ જ સંબંધ જાળવી રાખ્યા છે. ભારતીય રિફાઇનરોએ રશિયન ઓઈલની ખરીદી પર કોઈ પ્રતિબંધ મૂક્યો નથી. જોકે, તેમાં ઉછાળો આવ્યો છે. સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયામાં ભારતીય બંદરો પર પહોંચેલા રશિયન ઓઈલના કન્સાઇન્મેન્ટ જુલાઈ અને ઓગસ્ટ કરતા વધુ હતા, જે સ્પષ્ટ કરે છે કે અમેરિકાના દબાણની કોઈ તાત્કાલિક અસર થઈ નથી.
જોકે, એક અહેવાલ મુજબ પ્રારંભિક ટેન્કર ટ્રેકિંગ ડેટાને ટાંકીને જણાવ્યું છે કે 1 થી 16 સપ્ટેમ્બર દરમિયાન ભારતે દરરોજ સરેરાશ 17.3 લાખ બેરલ રશિયન તેલ આયાત કર્યું હતું. તેની તુલનામાં જુલાઈ અને ઓગસ્ટમાં આ આંકડો અનુક્રમે 15.9 અને 16.6 લાખ બેરલ પ્રતિ દિવસ હતો.
સામાન્ય રીતે રશિયન ક્રૂડ ઓઇલના કરારને 6-8 અઠવાડિયા અગાઉથી અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે. તેનો અર્થ એ કે સપ્ટેમ્બરની શરૂઆતમાં ડિલિવરી ખરેખર જુલાઈમાં બુક કરવામાં આવી હતી, તે જ સમયે ટ્રમ્પે ભારતને જાહેરમાં ચેતવણી આપવાનું શરૂ કર્યું હતું.