30, જુન 2025
નવી દિલ્હી |
3267 |
વિદેશમાં વસતાં નોન-રેસિડન્ટ ઇન્ડિયન્સ (NRI) દ્વારા ભારતમાં મોકલવામાં આવતું રેમિટન્સ (વિદેશથી મોકલાતા નાણાં) રેકોર્ડ સ્તરે વધ્યું છે. ગયા નાણાકીય વર્ષ 2024-25માં ભારતમાં કુલ **135.46 અબજ ડૉલર (અંદાજે ₹11.60 લાખ કરોડ)**નું રેમિટન્સ મોકલવામાં આવ્યું છે. આ NRI દ્વારા ભારતમાં મોકલવામાં આવેલા નાણાં પ્રવાહની અત્યાર સુધીની રેકોર્ડ ટોચ છે. છેલ્લા એક દાયકામાં વૈશ્વિક સ્તરે ભારતમાં રેમિટન્સનું પ્રમાણ સતત વધી રહ્યું છે.
RBI દ્વારા તાજેતરમાં રજૂ કરાયેલા બેલેન્સ ઑફ પેમેન્ટ્સના આંકડાઓ અનુસાર, NRI દ્વારા મોકલવામાં આવતા રેમિટન્સનું પ્રમાણ ગતવર્ષે 14 ટકા વધ્યું છે. આ આંકડો એક દાયકા પહેલા 2016-17માં નોંધાયેલા 61 અબજ ડૉલરની તુલનાએ લગભગ બમણાથી પણ વધુ છે, જે ભારતીય ડાયસ્પોરાના દેશ પ્રત્યેના મજબૂત યોગદાનને દર્શાવે છે.
RBIના આંકડાઓ અનુસાર, 31 માર્ચના અંતે પૂર્ણ થતાં નાણાકીય વર્ષમાં કુલ ચાલુ ખાતામાં રોકાણ પ્રવાહ કુલ 1 લાખ કરોડ ડૉલર નોંધાયો હતો. જેમાં રેમિટન્સનો હિસ્સો નોંધપાત્ર રીતે 10 ટકા રહ્યો હતો.
છેલ્લા પાંચ વર્ષના આંકડા (અબજ ડૉલરમાં)
વર્ષ રેમિટન્સ
2020-21 80.18
2021-22 89.13
2022-23 112.47
2023-24 118.71
2024-25 135.46
વેપાર ખાધ ઘટાડવામાં રેમિટન્સનું મહત્વ
RBIના સ્ટાફ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે, ભારતમાં મળતું રેમિટન્સ સામાન્ય રીતે ભારતના FDI (ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ) રોકાણ કરતાં પણ વધુ રહ્યું છે. રેમિટન્સ એ બાહ્ય ફંડિંગ રૂપે એક સ્થિર સ્રોત રહ્યું છે. આ રેમિટન્સ ભારતની વેપાર ખાધ ઘટાડવામાં અત્યંત મદદરૂપ બને છે. દેશની કુલ 287 અબજ ડૉલરની વેપાર ખાધનો 47 ટકા હિસ્સો રેમિટન્સમાંથી મળ્યો હતો, જે તેની આર્થિક અગત્યતા દર્શાવે છે.
રેમિટન્સ પેટે આવક મેળવવામાં ભારત અવ્વલ
વર્લ્ડ બેંકના આંકડાઓ અનુસાર, વૈશ્વિક સ્તરે 2024માં રેમિટન્સ પેટે આવક મેળવવામાં ભારત અગ્રણી રહ્યું છે. મેક્સિકો 68 અબજ ડૉલર સાથે બીજા ક્રમે અને ચીન 48 અબજ ડૉલર સાથે ત્રીજા ક્રમે રહ્યું છે. આ આંકડા દર્શાવે છે કે, ભારતનો મોટાભાગનો કુશળ કામદાર વર્ગ અમેરિકા, યુકે, અને સિંગાપોર જેવા વિકસિત દેશોમાં સ્થાયી થઈ રહ્યો છે, જે ભારતીય અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યો છે.