પહેલી નોકરી મેળવનારને પહેલા વર્ષે રૂ. ૩૦ હજાર સરકાર આપશે
01, જુલાઈ 2025 2376   |  

નવી દિલ્હી, કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે ૧ જુલાઈના રોજ યુવાનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને લગતી અનેક મોટી યોજનાઓને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રોજગાર પ્રોત્સાહન યોજના, ખેલો ઇન્ડિયા નીતિ ૨૦૨૫, સંશોધન, વિકાસ અને નવીનતા યોજના, તેમજ તમિલનાડુમાં એક મહત્વપૂર્ણ હાઇવે પ્રોજેક્ટને લીલી ઝંડી આપવામાં આવી છે. આ ર્નિણયો દેશમાં રોજગાર સર્જન, રમતગમત વિકાસ અને સંશોધનને વેગ આપવા ઉપરાંત માળખાગત સુવિધાઓને મજબૂત કરશે.

કેન્દ્ર સરકાર દ્વારા રોજગાર પ્રોત્સાહન યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં નોકરી મેળવનારાઓને સીધો લાભ અને ૩.૫ કરોડ નોકરીઓનું સર્જન થશે. જે બાબતે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, રોજગારી યોજનાના પ્રથમ તબક્કામાં પહેલીવાર રોજગાર મેળવનારા કર્મચારીઓને બે હપ્તામાં એટલે કે, નોકરી મળ્યાના છઠ્ઠા અને ૧૨મા મહિનામાં મહત્તમ રૂ. ૧૫,૦૦૦ અપાશે. જે બાદ બીજા તબક્કામાં દર મહિને રૂ. ૩,૦૦૦ અપાશે. આ યોજનાનો હેતુ ઉત્પાદન ક્ષેત્રમાં રોજગારને પ્રોત્સાહન આપવાનો છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સરકાર આ યોજનામાં કુલ રૂ. ૯૯,૪૪૬ કરોડનો ખર્ચ કરશે, જેનો હેતુ બે વર્ષમાં દેશમાં ૩.૫ કરોડથી વધુ નોકરીઓના સર્જનને પ્રોત્સાહન આપવાનો છે. આમાંથી ૧.૯૨ કરોડ લાભાર્થીઓ કાર્યબળમાં પહેલીવાર પ્રવેશ કરનારા હશે. રૂ. ૧ લાખ સુધીના વેતનવાળા કર્મચારીઓના સંબંધમાં નોકરીદાતાઓને પ્રોત્સાહન અપાશે. ઉત્પાદન ક્ષેત્ર માટે આ પ્રોત્સાહનો ત્રીજા અને ચોથા વર્ષ માટે પણ લંબાવી શકાય છે. આ યોજનાના લાભો ૧ ઓગસ્ટ, ૨૦૨૫થી ૩૧ જુલાઈ, ૨૦૨૭ વચ્ચે સર્જાયેલી નોકરીઓ પર લાગુ થશે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે, કેબિનેટ દ્વારા ખેલો ઇન્ડિયા નીતિ ૨૦૨૫ને પણ મંજૂરી આપવામાં આવી છે. જેમાં રમતગમતમાં ભારતને વૈશ્વિક સ્તરે ટોપ ૫માં લાવવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળે ખેલો ઇન્ડિયા નીતિને મંજૂરી આપી છે, જે ૧૯૪૮ અને ૨૦૦૧ની રાષ્ટ્રીય રમત નીતિનું સ્થાન લેશે. જેનો હેતુ યુવાનોને રમતગમત માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ નીતિને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ સાથે જાેડવામાં આવશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય રમતગમતને લોક ચળવળ બનાવવાનો અને ગ્રામીણ વિસ્તારોમાં વ્યવસ્થિત રીતે પ્રતિભાઓને આગળ લાવવાનો છે.

અશ્વિની વૈષ્ણવે વધુમાં ઉમેર્યું હતું કે, કેબિનેટ દ્વારા સંશોધન, વિકાસ અને નવીનતા યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે. આ યોજનામાં રૂ. ૧ લાખ કરોડનો ખર્ચ કરાશે. યોજનાનો ઉદ્દેશ યુવાનોને સંશોધન અને નવીનતા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ યોજના ઇઝરાયલ, અમેરિકા, સિંગાપોર, જર્મની જેવા દેશોના સફળ સંશોધન મોડેલોનો અભ્યાસ કરીને બનાવવામાં આવી છે, જે સંશોધનથી ઉત્પાદન સુધીનો સારો રોડમેપ ધરાવે છે.

તમિલનાડુમાં રૂ. ૧,૮૫૩ કરોડના ખર્ચે ફોર-લેન હાઇવે પ્રોજેક્ટને મંજૂરી

કેબિનેટે તમિલનાડુમાં રૂ. ૧,૮૫૩ કરોડના ખર્ચે ફોર -લેન પરમાકુડી-રામનાથપુરમ સેક્શનના ૪૬.૭ કિમીના નિર્માણને પણ મંજૂરી આપી છે. જે તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારના લોકોની લાંબા સમયથી પડતર માંગ હતી. મદુરાઈથી પરમાકુડી સુધીનો હાઇવે પહેલેથી જ ફોર-લેનનો છે. હવે પરમાકુડીથી રામનાથપુરમ સુધીનો ભાગ પણ ફોર-લેનમાં રૂપાંતરિત થશે. ધનુષકોડી સુધીના દરિયાઈ ભાગ માટે ડીપીઆર તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ ર્નિણયો દેશના ભવિષ્ય અને વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે, જેમાં રોજગારી, રમતગમત, સંશોધન અને માળખાગત સુવિધાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

રમત ગમતને લોક ચળવળ બનાવવા સરકારે યોજના જાહેર કરી

કેબિનેટ દ્વારા લેવામાં આવેલા ર્નિણયો વિશે માહિતી આપતા અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, છેલ્લા ૧૧ વર્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રમતગમત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં પ્રતિભાને આગળ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. નવી નીતિ આ પ્રયાસનો એક ભાગ છે. મંત્રીએ કહ્યું કે બીજાે મુખ્ય ઉદ્દેશ્ય રમતગમતને લોક ચળવળ બનાવવાનો છે.

૨ વર્ષમાં ૩.૫ કરોડથી વધુ નોકરીનું સર્જન

ઇએલઆઇ યોજનાની જાહેરાત કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫માં ૪.૧ કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય તકોની સુવિધા આપવા માટે પીએમના પાંચ યોજનાઓના પેકેજના ભાગ રૂપે કરવામાં આવી હતી, જેનો કુલ બજેટ ખર્ચ રૂ. ૨ લાખ કરોડ છે. ૯૯,૪૪૬ કરોડ રૂપિયાના ખર્ચ સાથે, ઇએલઆઇ યોજનાનો હેતુ ૨ વર્ષના સમયગાળામાં દેશમાં ૩.૫ કરોડથી વધુ નોકરીઓના સર્જનને ઉત્તેજીત કરવાનો છે. આમાંથી ૧.૯૨ કરોડ લાભાર્થીઓ કાર્યબળમાં પહેલી વાર પ્રવેશ કરનારા હશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution